અમેરિકા ઉપર હુમલો થયો છે, આ ફક્ત ફ્લૂ નથી : ટ્રંપ

0
95

વોશિંગ્ટન
તા : 23
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપે કોરોના વાયરસને લઈને કહ્યુ છેકે, તેમના દેશ પર હુમલો કર્યો છે. વ્હાઈટ હાઉસમાં પત્રકારો સાથે વાત કરતાં તેમણે કહ્યુ, અમારી ઉપર હુમલો થયો છે. આ એક હુમલો છે. આ કોઈ પણ પ્રકારનું ફ્લૂ નથી. કોઈએ પણ આજ સુધી આવુ કર્યુ નથી. છેલ્લે આવું 1917માં થયુ હતુ. ટ્રંપ પોતાના દેશમાં બધુ સામાન્ય કરવા માટે સંઘર્ષ કરી રહ્યા છે. અહીં કોવિડ-19નાં કારણે 47,000થી વધારે લોકોના જીવ ગયા છે. જ્યારે 8 લાખ 52 હજાર લોકો સંક્રમિત છે.

ટ્રંપને જ્યારે પુછવામાં આવ્યુકે, લોકો અને વેપારને મદદ માટે પ્રશાસન અબજો રૂપિયાના પ્રોત્સાહન પેકેજ આપી રહ્યુ છે જેથી તેમની મદદ થઈ શકે, પરંતુ તેનાંથી રાષ્ટ્રીય દેવું વધી રહ્યુ છે.તેના જવાબમાં ટ્રમ્પે કહ્યું કે, અમારી પાસે કોઈ વિકલ્પ નથી. શું આપણી પાસે પસંદગી છે? હું હંમેશાં દરેક વસ્તુની ચિંતા કરું છું. આપણે આ સમસ્યાને ઠીક કરવી પડશે. આપણી પાસે વિશ્વની સૌથી મોટી અર્થવ્યવસ્થા હતી. ચીન કરતાં વધુ સારી, દરેક જગ્યાએ કરતાં વધુ સારી. અમે તેને છેલ્લા ત્રણ વર્ષમાં બનાવી છે અને એક દિવસ તે આવીને કહે છે કે આપણે બધું બંધ કરવું પડશે. હવે અમે તેને ફરીથી ખોલવા જઇ રહ્યા છીએ અને અમે પહેલા કરતા વધુ મજબુત બનવાના છીએ પરંતુ તમારે થોડો ખર્ચ કરવો પડશે.

અમે અમારી એરલાઇન્સને બચાવી લીધી છે. અમે ઘણી કંપનીઓને બચાવી છે. છેલ્લા બે મહિનામાં જે કંપનીઓ ખૂબ સારી કામગીરી કરી રહી હતી. હવે અચાનક તે બજારમાંથી બહાર નીકળી ગઈ છે. તેમનું કહેવું છે કે દેશભરમાં કોરોના વાયરસ પોઝિટિવ કેસમાં સતત ઘટાડો થયો છે. યુએસ પ્રમુખે કહ્યું, ‘હોટસ્પોટ સ્થિરતા દર્શાવે છે. આપણે યોગ્ય દિશામાં જઈ રહ્યા છે. બોસ્ટનમાં કેસો ઘટી રહ્યા છે. શિકાગોમાં પણ વાયરસની અસર ઓછી થઈ રહી છે. ડેટ્રોઇટથી ખરાબ સમય વીતી ગયો છે. આ વલણો સૂચવે છે કે વાયરસ સામે લડવાની અમારી આક્રમક વ્યૂહરચના કામ કરી રહી છે અને વધુ રાજ્યો જલ્દીથી ધીમે ધીમે અને સલામત રીતે ફરીથી ખોલવાની સ્થિતિમાં હશે. તે એકદમ રોમાંચક છે.