આઝમ ખાન અને પરિવારની મુશ્કેલીઓ વધી, 69 માંથી 65 કેસોમાં ચાર્જશીટ દાખલ

0
101

નવી દિલ્હી,તા:09

સમાજવાદી પાર્ટીના વરિષ્ઠ નેતા અને રામપુરના સાંસદ આઝમ ખાન, તેમના પત્ની ધારાસભ્ય તંજીમ ફાતિમા અને દીકરા અબ્દુલ્લા આઝમ વિરુદ્ધનો કાયદાકીય શિકંજો વધુ મજબૂત બની રહ્યો છે. આઝમ ખાન વિરૂદ્ધના 69 કેસ પૈકીના 65માં ચાર્જશીટ દાખલ થઈ ગઈ છે. એક કેસમાં પોલીસે અંતિમ રિપોર્ટ લગાવ્યો છે.

આ ત્રણ કેસમાં દાખલ ન થઇ ચાર્જશીટ

જે ત્રણ કેસમાં ચાર્જશીટ દાખલ નથી થઈ તે ભાજપા નેતા જયા પ્રદા વિરૂદ્ધ અશોભનીય ટિપ્પણી અને વક્ફની સંપત્તિ હડપી લેવા નકલી દસ્તાવેજ તૈયાર કરવાના આરોપના છે. રામપુરના પોલીસ સુપરીન્ટેન્ડેન્ટ શગુન ગૌતમના કહેવા પ્રમાણે આ કેસમાં આઝમ ખાનની ભૂમિકા અને તેમની સંલિપ્તતાની તપાસ થઈ રહી છે તથા આ મામલે પણ ઝડપથી ચાર્જશીટ દાખલ કરવા તૈયારી થઈ રહી છે.

જાન્યુઆરીમાં આઝમખાન પરિવારે કર્યું હતું આત્મસમર્પણ

પોલીસે જાન્યુઆરી, ફેબ્રુઆરી મહીનામાં જ આઝમ ખાન વિરૂદ્ધ 48 કેસમાં ચાર્જશીટ દાખલ કરી દીધી હતી. ત્યાર બાદ આઝમ ખાન, તેમની પત્ની અને દીકરાએ કોર્ટમાં આત્મસમર્પણ કર્યું હતું. મોટા ભાગના કેસમાં તેમના ત્રણેયના નામ નોંધાયેલા છે. જાણવા મળ્યા મુજબ રામપુર પોલીસને આઝમ વિરૂદ્ધ કેટલીક અન્ય ફરિયાદો પણ મળી છે અને પોલીસ તેની પ્રામાણિકતા અંગે તપાસ કરી રહી છે.

જલ્દી જામીન મળે તેવા અણસાર નહીં

આઝમ ખાનના દીકરા અબ્દુલ્લા આઝમે જન્મના નકલી પ્રમાણપત્ર મામલે કોર્ટમાં સમર્પણ કર્યું હતું. આ કારણે તેમની વિધાનસભાની સદસ્યતા પણ સમાપ્ત કરી દેવામાં આવી હતી. પોલીસના જણાવ્યા મુજબ અબ્દુલ્લા આઝમ વિરૂદ્ધ કુલ 41 કેસ નોંધાયેલા છે જે પૈકીના 38 કેસમાં પોલીસે ચાર્જશીટ દાખલ કરી દીધી છે.

તે સિવાય બે કેસમાં પહેલેથી જ ચાર્જશીટ નોંધાઈ ચુકી છે જ્યારે એક કેસમાં વિચાર-વિમર્શ ચાલી રહ્યો છે. તંજીમ ફાતિમા વિરૂદ્ધ નોંધાયેલા તમામ 32 કેસમાં પોલીસ ચાર્જશીટ દાખલ કરી ચુકી છે. હાલ તે ત્રણેય જેલમાં બંધ છે અને તેમના વિરૂદ્ધ અનેક કેસમાં ચાર્જશીટ નોંધાયેલી હોવાથી તેમને જલ્દી જામીન મળે તેવી કોઈ શક્યતા નથી જણાઈ રહી.