આસામના ચાના બગીચામાં હવે ડ્રોન અને રોબોટને કામ પર રાખવામાં આવે છે ! ટેકનોલોજીની મદદથી ચાની પત્તી પસંદ કરવાથી લઈને જંતુનાશક દવાનો છંટકાવ કરવાના કામો તે કરશે. મજૂરોની અછત વર્તાઈ રહી છે, ત્યારે ઉત્પાદન જાળવી રાખવા અને મજૂરોની સમસ્યાનો ઉકેલ મેળવવા માટે આ માર્ગ ચાના બગીચાના માલિકોને ઘણો પસંદ પડયો છે.

ડ્રોનથી ખતરનાક કીટનાશકનો છંટકાવ પણ સારી રીતે કરાશે

આસામમાં વિભિન્ન સમસ્યાઓ સામે ઝઝૂમતા ચાના બાગમાં મજૂરોની અછતને પહોંચી વળવા અને ઉત્પાદન વધારવા માટે હવે આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરાઈ રહ્યો છે, જેમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (એઆઇ) ઉપરાંત ડ્રોનનો ઉપયોગ પણ સામેલ છે. એઆઇ ટેકનોલોજીને બહાને રોબોટ દ્વારા ચાની પત્તી પસંદ કરાશે, જેનાથી ઉત્પાદન વધારવામાં પણ મદદ મળશે. એ જ રીતે ડ્રોનનો ઉપયોગથી ખતરનાક કીટનાશકનો છંટકાવ પણ કરાશે. ડ્રોનનો ઉપયોગ થવાથી દવાના છંટકાવનું કામ ઝડપથી થશે જ, સાથે ચાના બગીચામાં કામ કરતા મજૂરોને જંતુનાશક દવાના જોખમોથી પણ બચાવી શકાશે. એશિયાની સૌથી મોટી કંપનીઓમાંની એક આસામ કંપની ઇન્ડિયા લિમિટેડે આ દિશામાં પહેલ કરી છે.

ટેક્નોલોજીનો ઉપયોગ

પોતાની ગુણવત્તા માટે આખી દુનિયામાં મશહૂર આસામ ચાના સ્વાદમાં સુધારો અને ગુણવત્તા વધારવા માટે ટેકનોલોજીની મદદ લેવા અંગે વિચારણા થઈ રહી છે. હાલ તો એક કંપનીએ એ દિશામાં નક્કર પહેલ કરી છે. હવે જલ્દીથી બીજા ચાના બગીચાઓમાં પણ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ( એઆઇ ) આધારિત આ ટેકનોલોજીને અપનાવવા અંગે વિચાર થઈ રહ્યો છે. એ વિચારણા હેઠળ હવે ચાની લીલી પત્તીઓ પસંદ કરવામાં રોબોટની મદદ લેવાશે. એ સાથે જ બાગોમાં જંતુનાશકનો છંટકાવ ડ્રોનનો ઉપયોગ કરીને કરી શકાશે, તેનાથી મજૂરોને આ જંતુનાશકોની ઘાતક અસરથી બચાવી શકાશે.