ઉપલેટાના ચિખલિયામાં વરસાદથી તલના વાઢેલ ઉભડા પલળી જતા ખેડૂતોને નુકશાન

0
162

જે રીતે હાલ વરસાદનું આગમન શરુ થઇ ગયું છે તેમની વાત કરીએ તો રાજકોટ જીલ્લાના ઉપલેટા તાલુકા પંથકમાં ગત દિવસોમાં ગાજવીજ અને ભારે પવન સાથે પડેલા વરસાદથી ઉપલેટા પંથકના ખેડૂતોએ ઉનાળુ સીઝનનો જે તૈયાર મોલ જે પોતાના ખેતરમાં પડ્યો હતો તે તૈયાર મોલ ગત દિવસોમાં પડેલ ભારે વરસાદથી તે મોલ પલળી ગયેલ છે જેથી ખેડૂતોને પડ્યા પર પાટુ પડવાની સ્થિતિ સર્જાઇ ગયેલ છે અને જગતાતની ચિંતામાં દિવસે ને દિવસે વધારો પણ થઈ રહ્યો છે. ગત દિવસોમાં ઉપલેટા પંથકના ગામોમાં ભારે પવન સાથે વરસાદ પડ્યો હતો જેમાં ઉપલેટા તાલુકાના હરિયાસણ, વાલાસણ, મોટી પાનેલી, ચીખલીયા સહિતના ગામોમાં અંદાજીત દોઢ થી બે ઇંચ જેટલો વરસાદ પડવાથી ખેડૂતોનો તૈયાર ઉનાળુ પાક એવા તલ વગેરે કે જે હાલ ખેતરમાંથી કાઢવાનો સમય હોય અને ખેડૂતો ખેતરમાં તલ વાઢી અને ઉભડા કરેલા હતા તેમજ તલ ખેરવાની પણ કામગીરી ચાલુ હોવાથી ગત દિવસોમાં અચાનક વરસાદ પડતાં ખેડૂતોના ખેતરમાં પડેલ તલના ઉભડા સંપૂર્ણ પલળી જવા પામેલ છે જેથી ખેડૂતોને લાખો રૂપિયાનું નુકસાન થવા પામ્યું છે. અગાઉ પણ ચોમાસામાં અતિભારે વરસાદ, કમોસમી વરસાદના કારણે એક પછી એક ખેડૂતોએ માર સહન કરેલા છે અને હજુ પણ આ માર માંથી ખેડૂતો ઉભા નથી થયા. તેમાં જોવા જઈએ તો શિયાળુ પાકમાં કમોસમી વરસાદ અનેક વખતે પડી ગયેલાં જેને લઈને ઘઉં ઢળી ગયા હતા અને શિયાળો પાકમાં પણ પણ લાખો રૂપિયાનું નુકસાન ખેડૂતોએ વેઠવું પડ્યું હતું. હાલમાં આ ઉનાળુ પાક એવા તલમાં નુકસાન થતાં ખેડૂતનો જે ધિરાણ ભરવાનો પણ સમય આવી ગયો છે તેમની પણ સગવડ હાલ આ ખેડૂતો પાસે નથી તેવું આ ખેડૂતો જણાવી રહ્યા છે. ખેડૂતોના જણાવ્યા પ્રમાણે ઘર ચલાવવું કે ધિરાણ ભરવું ? આવા સવાલોની વચ્ચે ચિંતાતુર બન્યા છે. ખેડૂતો હાલ ધિરાણમાં જો સરકાર રાહત આપે તો જ ખેડુતો બચી શકે તેવી સ્થિતિ સર્જાયેલ છે. જે રીતે એક પછી એક નુકશાન વેઠી રહ્યા છે તે મુજબ હાલ ધિરાણ પણ ભરવું અશક્ય છે. ખેડૂતોના બાળકોના અભ્યાસના ખર્ચ પણ નીકળે એમ નથી તેવું આ ખેડૂતો જણાવી રહ્યા છે. ધરતી પુત્રોની હાલત અત્યારે ન ઘરનો ન ઘાટનો જેવી થઈ ગઈ છે.