ઓગસ્ટ-સપ્ટેમ્બરમાં મેદાનમાં ઉતરી શકે છે ‘વિરાટ બ્રિગેડ’

0
49

નવીદિલ્હી
તા : 03
ભારત સરકારે 25મી માર્ચથી લોકડાઉન અમલી બનાવ્યું હતું ત્યારથી ભારતમાં ક્રિકેટ સદંતર બંધ થઈ ગયું છે. હવે લોકડાઉનમાં ધીમે ધીમે રાહત મળવા લાગી છે. આ સંજોગોમાં ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ (BCCI) ઓગસ્ટ અને સપ્ટેમ્બરમાં ખેલાડીઓનો કેમ્પ યોજવા માટે વિચારી રહ્યું છે. બોર્ડે સ્પષ્ટ કરી દીધું છે કે તેનો ઇરાદો તમામ ખેલાડીને એક સાથે કેમ્પમાં એકત્રિત કરવાનો છે.

બોર્ડના સૂત્રોએ જણાવ્યું કે તેઓ ચોમાસામાં જ ખેલાડીઓને એક કરવા પ્રયાસ કરશે. જેથી તેઓ ટ્રેનિંગ લઈ શકે અને ક્રિકેટ એક્શન માટે સજ્જ થઈ જાય. લોકડાઉનને કારણે ખેલાડીઓ ઘણા સમયથી પોતાના ઘરમાં પૂરાઈ રહ્યા છે. બોર્ડને શંકા છે કે ખેલાડીઓને એક્શનમાં પરત ફરવામાં સમય લાગી શકે છે.

સૂત્રોએ જણાવ્યું કે ચોમાસું પૂર્ણ થવાની રાહ જોવાશે અને તૈયારી શરૂ કરી દેવાશે. આ સમય ઓગસ્ટ અને સપ્ટેમ્બરની આસપાસનો રહેશે. અમે તેમની રમત પર ધ્યાન આપીશું અને તેઓ સક્રિય ક્રિકેટમાં પરત ફરી શકે તે માટે તેમને સજ્જ કરી દઇશું. ભારતીય ખેલાડીઓ પ્રોફેશનલ છે. તેમના મસલ્સમાં ટ્યુનિંગ જરૂરી છે. તેમને શારિરીક અને માનસિક રીતે સજ્જ કરવા જરૂરી છે. જોકે લોકડાઉન વખતે તમામ ખેલાડી ઘરમાં રહીને ફિટનેસ પર તો કામ કરી જ રહ્યા છે.