કાઝીએ કરાવ્યાં પટનાની દુલ્હન અને ગાઝિયાબાદના દુલ્હાના ઑનલાઇન નિકાહ

0
70

ઇન્ટરનેશનલ,તા:26 કોરોના વાઇરસને નાથવા માટે ભારત આખું લૉકડાઉન થયેલું છે ત્યારે પહેલેથી જે લોકોના કાર્યક્રમો અને ખાસ તો લગ્ન જેવા પ્રસંગો નિર્ધારિત હતા એવા લોકોના જીવનમાં જબરી અસમંજસ ઊભી થઈ છે. જોકે કેટલાક લોકોએ લૉકડાઉનના નિયમો ન તોડીને પણ પોતાના નિર્ધારિત કાર્યક્રમો ચાલુ રાખ્યા હતા. આવો જ એક દાખલો છે ઑનલાઇન વેડિંગનો. ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદ જિલ્લામાં આવેલા એક કાઝીએ સાહિબાબાદના દુલ્હા અને પટનાની દુલ્હનના ઑનલાઇન નિકાહ કરાવ્યાં તેમ જ ઑનલાઇન હાજર રહેલા બન્ને પરિવારોએ નિકાહની તમામ રસમ પણ ઑનલાઇન જ પૂરી કરી.

પટનાના સમનપુરામાં રહેતી સાદિયાનાં નિકાહ ઉત્તર પ્રદેશના સાહિબાબાદમાં રહેતા દાનિશ રજા સાથે ૨૪ માર્ચે યોજાયાં હતાં. નિકાહની લગભગ બધી તૈયારી થઈ ગઈ હતી. પટનાના હારુન નગરમાં કમ્યુનિટી હૉલ પણ બુક થઈ ગયો હતો. સગાં-સંબંધીઓને નિમંત્રણ પણ પહોંચી ગયું હતું, પરંતુ કોરોના વાઇરસને કારણે લૉકડાઉન જાહેર થતાં બન્ને પરિવારોએ મળીને આ માર્ગ કાઢ્યો હતો. પટના અને સાહિબાબાદમાં દુલ્હન અને દુલ્હો લૅપટૉપ સામે બેઠાં અને કાઝીએ ઑનસ્ક્રીન હાજર રહેલા બે સાક્ષીઓ સામે નિકાહ કરાવ્યાં.