કુદરતના કહેર વચ્ચે ગુજરાતના અનેક વિસ્તારોમાં વાતાવરણ પલટાયું….

0
49

અમદાવાદ ,તા:26 ગુજરાતના નાગરિકો કોરોના વાઈરસનો સામનો કરી રહ્યા છે ત્યારે બીજી તરફ બદલાયેલું વાતાવરણ જોખમમાં વધારો કરી રહ્યું છે. હવામાનખાતા દ્વારા ૨૭મી માર્ચ સુધી ગુજરાતના કેટલાક ભાગોમાં કમોસમી વરસાદ પડશે તેવી આગાહી જારી કરી હતી. સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારમાં કમોસમી વરસાદી ઝાપટાં પડવા લાગ્યા છે.

કચ્છના સામખિયાળી વિસ્તારમાં ગાજવીજ સાથે કમોસમી વરસાદ પડયો છે. આજે બુધવારના રોજ અમદાવાદ, વડોદરા, ભરૂચ અને કચ્છમાં પણ વાદળછાયું વાતાવરણ સર્જાયું હતું. મોડી સાંજે અમદાવાદ શહેરના વાતાવરણમાં પલટો આવ્યો હતો, ચોમાસાની માફક કાળા ડીબાંગ વાદળો ઘેરાવા લાગ્યાં હતાં. જોકે હજુ, ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં હળવા ઝાપટાં।ી સાથે સાથે ૩૦થી ૪૦ કિ.મી.ની ઝડપે પવન ફૂંકાઈ શકે તેવી આગાહી કરવામાં આવી છે.ભરઉનાળે ગુજરાતમાં કેટલાક ભાગોમાં હળવા વરસાદી ઝાપટાં પડી રહ્યાં છે. વડોદરામાં બુધવારે સવારથી જ અને અમદાવાદમાં બપોર પછી વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું. ઉપરાંત વડોદરા, જંબુસર, ભરૂચ પંથકમાં કમોસમી વરસાદી ઝાપટાં પડયાં હતાં. કચ્છના વાતાવરણમાં પણ સવારથી પલટો આવ્યો હતો. જેથી કચ્છના કંડલામાં વરસાદી છાંટા પડયાં હતાં.

હવામાન વિભાગે કરેલી આગાહી પ્રમાણે, સૌરાષ્ટ્રમાં જૂનાગઢ, સુરેન્દ્રનગર, રાજકોટ, ઉત્તર ગુજરાતમાં તેમજ આણંદ, ખેડા, સુરત, નવસારી, વલસાડ, તાપી સહિતના જિલ્લાઓમાં વરસાદની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે.