કોરોનાનો કેર : ભારતમાં કોરોનાથી મૃત્યુદર આ દેશ કરતા નીચો

0
78

નવીદિલ્હી
તા : 01
કોરોના સામેની લડાઈમાં ભારતને છેલ્લા કેટલાક દિવસમાં નોંધપાત્ર સફળતા મળી છે. ભારતમાં કોરોના વાઈરસનો રિકવરી રેટ એટલે કે હોસ્પિટલમાંથી સારવાર પછી રજા અપાઈ હોય તેવા દર્દીઓનો દર ૨૫.૧૩ ટકા થયો છે, જે ૧૪ દિવસ અગાઉ ૧૩ ટકા નોંધાયો હતો. વધુમાં કોવિડ-૧૯ના કેસ હવે ૧૧ દિવસે બમણા થઈ રહ્યા છે. રાષ્ટ્રવ્યાપી લૉકડાઉન લાગુ થયું તે પહેલાં દેશમાં ૩.૪ દિવસમાં કેસ બમણા થઈ રહ્યા હતા. દેશમાં અત્યાર સુધીમાં કોરોનાના ૮૬૬૪ દર્દી સાજા થયા છે. છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના નવા ૨,૦૦૪ કેસ સાથે કુલ કેસ ૩૪૬૬૧ થયા છે જ્યારે ૮૨નાં મોત સાથે કુલ મૃત્યુઆંક ૧૧૪૬ થયો છે.

ભારતમાં કોરોનાના કેસ અને મોતની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે, પરંતુ કોવિડ-૧૯ના કેસ બમણા થવાનો દર અમેરિકા, ઈટાલી, સ્પેન અને બ્રિટન જેવા વિકસિત દેશોની સરખામણીમાં ધીમો છે. અમેરિકા અને યુરોપના આ દેશમાં કોવિડ-૧૯ મહામારીથી સૌથી વધુ સંખ્યામાં લોકો માર્યા ગયા છે. મૃત્યુદરના સંદર્ભમાં ભારત વિકસિત દેશોની સરખામણીમાં ઘણી સારી સ્થિતિમાં છે. ભારતમાં હાલ કોવિડ-૧૯નો મૃત્યુદર ૩.૨ ટકા છે. મૃત્યુપામેલામાંથી ૬૫ ટકા પુરુષો અને ૩૫ ટકા મહિલાઓ છે તેમ સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું હતું. સ્વાસ્થ્ય મંત્રાલયના સંયુક્ત સચિવ લવ અગ્રવાલે જણાવ્યું હતું કે દેશમાં કોરોના વાઈરસના પ્રસારની સ્થિતિમાં દિલ્હી, ઉત્તર પ્રદેશ, જમ્મુ-કાશ્મીર, ઓડિશા, રાજસ્થાન, તામિલનાડુ અને પંજાબની સ્થિતિ ગંભીર છે.