કોરોના ઈફેક્ટ : ટેસ્ટ ચેમ્પિયનશિપના કાર્યક્રમને ગોઠવવામાં ICC વ્યસ્ત

0
75

દુબઇ
તા : 18
વિશ્વભરમાં પ્રસરેલી કોરોના મહામારીને કારણે વિશ્વની અન્ય રમતોની જેમ ક્રિકેટને પણ ગંભીર અસર થઈ છે અને આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સીલ (આઇસીસી)ના ફ્યુચર ટૂર પ્રોગ્રામ (એફટીપી)ને ફરી વખત ગોઠવવો પડે તેવી સ્થિતિ સર્જાઈ છે. તેની સાથે સાથે આઇસીસીની ટેસ્ટ ચેમ્પિયનશિપ પણ અડધે જ અટકી પડતાં હવે તેના કાર્યક્રમને પણ ઘડવાનું દબાણ સર્જાયું છે. હાલ તો લોકડાઉનને કારણે બધુ ‘જૈસે થૈ’ની સ્થિતિમાં છે, ત્યારે આઇસીસી અને તેના સભ્ય દેશો ટેસ્ટ ચેમ્પિયનશિપ સહિત એફટીપીને ફરી વખત ગોઠવવાની તૈયારીમાં વ્યસ્ત બન્યા હોવાનો ખુલાસો એક મીડિયા રિપોર્ટમાં કરવામાં આવ્યો છે.

હાલની પરિસ્થિતિ જોતાં આઇસીસી તેની ટેસ્ટ ચેમ્પિયનશિપની સમય મર્યાદાને લંબાવશે તે નક્કી મનાય છે. જ્યારે આગામી સમયમાં આઇસીસીના મહત્વકાંક્ષી પ્રોજેક્ટ સમી વન ડે લીગ શરૃ થવાની હતી. જેને માટે પણ હવે નવેસરથી તારીખો ગોઠવવી પડશે તે નક્કી લાગી રહ્યું છે. આઇસીસી અને તેના સભ્ય દેશોએ એફટીપી તેમજ અન્ય ક્રિકેટ કાર્યક્રમોના ફેર ઘડતર માટે પ્રયાસ શરૃ કરી દીધા છે. અગાઉ તમામ સભ્ય દેશોએ આઇસીસીને તેની ટેસ્ટ ચેમ્પિયનશિપ સહિતની ટુર્નામેન્ટ્સને સ્થગિત કરવા માટે વિનંતી કરી હતી. જે પછી બંને એફટીપીને ફરીથી ગોઠવવા માટે તૈયાર થઈ ચૂક્યા છે અને આ માટે તેમણે વિચારણા પણ શરૃ કરી દીધી છે.

હવે આવતા સપ્તાહે આઇસીસી અને તેના ચીફ એક્ઝિક્યુટીવ બોર્ડમાં સ્થાન ધરાવતા સભ્ય દેશોની એક મિટિંગ યોજાવાની છે, જેમાં ભાવિ પ્રવાસ કાર્યક્રમમાં ફેરફાર કરવા અંગે ચર્ચા હાથ ધરવામાં આવશે. કોરોના મહામારીને કારણે હાલની પરિસ્થિતિ અત્યંત પ્રવાહી છે અને ક્રિકેટની સિઝન ફરી ક્યારે શરૃ થશે તે હાલ નક્કી કહી શકાય તેમ લાગતું નથી. આઈસીસી ટેસ્ટ ચેમ્પિયનશિપ તેમજ ઓક્ટોબરમાં રમાનારા ટી-૨૦ વર્લ્ડ કપ, ૧૩ ટીમોની વન ડે લીગ અને ૨૦૨૩ના આઇસીસી મેન્સ વર્લ્ડ કપની ક્વોલિફિકેશન પ્રોસેસને ક્યારે શરૃ કરવી તે અંગે આગામી દિવસોમાં ચર્ચા વિચારણા બાદ નિર્ણય લેવામાં આવે તેવી અપેક્ષા છે. તમામ આયોજનોને લંબાવવામાં આવી શકે છે.