કોરોના : ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સના ધંધાર્થીએ NRI માટે ફ્રિમાં હેલ્પલાઇન શરૂ કરી

0
94

રાજકોટ
તા. 20
કોરોના વાઇરસના કારણે ઇન્ડિયન એરલાઇન્સ દ્વારા હાલ 31 માર્ચ સુધી પોતાની તમામ વિદેશની ફ્લાઇટ રદ કરવામાં આવી છે. આથી લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ભારત આવી પહોંચેલા ભારતીયોને હાલ વિદેશ પરત પહોંચવામાં ખૂબ મુશ્કેલીનો સામનો કરવો પડે છે. કોરોના વાઇરસના કારણે ઉદ્યોગ ધંધા પર માઠી અસર પહોંચી છે. ત્યારે સૌથી માઠી અસર ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સ સાથે જોડાયેલા ધંધાર્થીઓને પડી છે. આ સમયે રાજકોટના ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સના ધંધાર્થીઓ રાજકોટમાં ફસાયેલા NRIઓ માટે વિનામૂલ્યે હેલ્પલાઇન શરૂ કરી છે. ટૂર એન્ડ ટ્રાવેલ્સના ધંધા સાથે સંકળાયેલા રક્ષિતભાઈ જોશીએ NRI માટે હેલ્પલાઇન નંબર 9824221447 પર સંપર્ક કરી પોતાની સમસ્યાનું સમાધાન મેળવી શકે છે. આ અંગે કોઈ ચાર્જ વસૂલ નહીં કરવામાં આવે.

રક્ષિતભાઈ જોશીએ જણાવ્યું છે કે, હાલ એર ઇન્ડિયાની ઓફિસ પર જો કોઈ વ્યક્તિએ ટિકિટ એક્સટેન્ડ કરાવી હોય તો ત્યાં લાંબી લાઇનો લાગે છે. સિનિયર સિટીઝન માટે બે-ત્રણ કલાક લાંબી લાઇનમાં ઉભા રહેવું શક્ય નથી હોતું. તેમજ વિદેશથી રાજકોટ આવેલા ઘણા NRI પાસે પૈસાનો પણ અભાવ હોવાનું સામે આવ્યું છે. કારણ કે એરલાઇન્સ દ્વારા હાલ ફ્લાઇટ બંધ કરવામાં આવી છે, જેના કારણે તેમને ફરજીયાત રાજકોટમાં રોકાવું પડે તેવી સ્થિતિનું નિર્માણ થયું છે. જો કોઈ NRI પાસે પૈસા ન હોય તો તેમના માટે રહેવાની સગવડ પણ કરી આપશે.