કોરોના : હોલિવૂડ સ્ટાર ટોમ હેન્ક્સ અને પત્ની રીટા બંનેનો ટેસ્ટ પોઝિટિવ

0
15

સિડની
હોલિવૂડના સુપરસ્ટાર અને 63 વર્ષીય ઓસ્કર વિજેતા એક્ટર ટોમ હેન્ક્સે જાહેરાત કરી છે કે તેમને અને તેમની પત્ની રીટા વિલ્સનને કોરોનાવાઈરસનો ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે. ભારતીય સમય પ્રમાણે ગુરુવારે સવારે સોશિયલ મીડિયા પર પોસ્ટ મૂકીને તેમણે આ જાહેરાત કરી હતી. આ અભિનેતા ટૂંક સમયમાં જ અમેરિકન રોક એન્ડ રોલ સ્ટાર એલ્વિસ પ્રેસ્લી પરની ફિલ્મનું શૂટિંગ શરૂ કરવાના હતા અને એ માટે જ તેઓ ઓસ્ટ્રેલિયામાં હતા.

હાઈ મિત્રો, રીટા અને હું અહીં ઓસ્ટ્રેલિયામાં છીએ. અમને થાક, શરદી અને શરીરમાં કળતર જેવું ફીલ થતું હતું. રીટાને ટાઢ પણ અનુભવાતી હતી અને થોડો તાવ પણ હતો. એટલે અમે તરત જ કોરોનાવાઈરસનો ટેસ્ટ કરાવ્યો અને અમારાં બંનેનો ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે. હવે જ્યાંસુધી જરૂર જણાશે ત્યાં સુધી અમને બંનેને ક્વોરન્ટાઈનમાં રાખવામાં આવશે. અમારી તબિયત વિશે અમે દુનિયાને અપડેટ્સ જણાવતાં રહીશું.

ડિરેક્ટર બાઝ લુહરમાનની ફિલ્મમાં ટોમ હેન્ક્સ એલ્વિસ પ્રેસ્લી પરની ફિલ્મમાં તેના તરંગી મેનેજરની ભૂમિકા ભજવી રહ્યા છે. આ ફિલ્મની પ્રોડક્શન કંપની વૉર્નર બ્રધર્સે પણ એક સ્ટેટમેન્ટ બહાર પાડીને કહ્યું છે કે અમે અમારા સેટ પર આ વાઈરસ ન ફેલાય તે માટેની પૂરેપૂરી તકેદારી લઈ રહ્યા છીએ. ઓસ્ટ્રેલિયામાં અત્યાર સુધીમાં કોરોનાવાઈરસના 120 કેસ સામે આવ્યા છે.