ગાંગુલીએ આઇસોલેશન માટે ઇડન ગાર્ડન્સ સ્ટેડિયમ ખુલ્લું મૂક્યું

0
40

કોલકાતા
તા. 26
બંગાળ ક્રિકેટ એસોસિયેશનના ભૂતપૂર્વ પ્રમુખ સૌરવ ગાંગુલીએ બંગાળની મમતા સરકાર સામે એક મોટી ઓફર રાખી છે. ગાંગુલીએ કોરોના વાઇરસથી પીડિત લોકોની ક્વોરન્ટાઇન પ્રક્રિયા માટે ભારતના અત્યાર સુધીના સૌથી મોટા સ્ટેડિયમ ઇડન ગાર્ડન્સના દરવાજા ખોલવાનો નિર્ણય કર્યો છે. બીસીસીઆઇના વર્તમાન પ્રમુખ ગાંગુલીએ બંગાળ સરકારને કહી દીધું છે કે જો તે ઇડન ગાર્ડન્સ સ્ટેડિયમનો અસ્થાયી મેડિકલ સગવડો તથા ક્વોરન્ટાઇન માટે ઉપયોગ કરવા માગતી હોય તો કરી શકે છે. ગાંગુલીએ જણાવ્યું હતું કે જો સરકાર અમને સ્ટેડિયમના ઉપયોગ અંગે પૂછશે તો અમે તેમની સાથે રહીશું અને કોઇ પણ સામાનની જરૂર પડશે તો તે પૂરી પાડીશું. અમને તેમાં કોઇ મુશ્કેલી નડશે નહીં.

વિશ્વના સૌથી અમીર ગણાતા ભારતીય ક્રિકેટ બોર્ડે હજુ સુધી કોઇ ફંડ કે ડોનેશનની જાહેરાત કરી નથી પરંતુ બંગાળ એસોસિયેશનના સભ્ય રહી ચૂકેલા ગાંગુલીએ પોતાના રાજ્ય માટે સ્ટેડિયમને ખુલ્લું મૂકવાનો નિર્ણય કર્યો છે. જોકે ગાંગુલીએ કોરોના વાઇરસ સામે લડત આપી રહેલા દેશની મદદ માટે શું કરી શકાય તે અંગે બોર્ડના સેક્રેટરી જય શાહ સાથે વાતચીત કર્યા બાદ કોઇ નિર્ણય લેવાનું નક્કી કહ્યું છે. નોંધનીય છે પૂરા દેશને ૨૧ દિવસ માટે લોકડાઉન કરવામાં આવ્યું છે અને બંગાળમાં અત્યાર સુધીમાં કોરોના વાઇરસથી ઇન્ફેક્ટેડ થયા હોય તેવા નવા મામલા સપાટી ઉપર આવ્યા છે.

બીસીસીઆઇના પ્રમુખ સૌરવ ગાંગુલીએ કોવિડ-૧૯ની મહામારીને અટકાવવા માટે ૨૧ દિવસ માટે કરવામાં આવેલા લોકડાઉનથી પ્રભાવિત થયેલા લોકોની સહાયતા માટે એક ઉમદા જાહેરાત કરી છે. તેણે પીડિતોની સેવા કરવા માટે ૫૦ લાખ રૂપિયાના ચોખા દાનમાં આપવાની જાહેરાત કરી છે. બંગાળ ક્રિકેટ એસોસિયેશને યાદીમાં જણાવ્યું હતું કે ગાંગુલીએ લાલા બાબા ચોખા સાથે મળીને જરૂરિયાતવાળા લોકોને ચોખા ઉપલબ્ધ કરાવશે. પીડિતોને હાલમાં સુરક્ષાના કારણોસર સરકારી સ્કૂલોમાં રાખવામાં આવ્યા છે. કંપનીએ જણાવ્યું હતું કે ગાંગુલીની આ પહેલથી રાજ્યના અન્ય નાગરિકોને પણ અમારા રાજ્યના લોકોની સેવા કરવાની પ્રેરણા મળશે. દરમિયાનમાં બંગાળ ક્રિકેટ એસોસિયેશને પશ્ચિમ બંગાળ સરકારને કોરોના રિલીફ ફંડમાં ૨૫ લાખ રૂપિયાનું દાન આપવાનો નિર્ણય કર્યો છે. સીએબીના પ્રમુખ અભિષેક દાલમિયાએ પણ પોતાની તરફથી સરકારને મદદ કરવાની જાહેરાત કરી હતી.