ચાર ફેઝમાં 250 કરોડના ખર્ચે યાત્રાધામ પાવાગઢની કાયાપલટ કરાશે

0
262

વડોદરા,તા:03

  • પાવાગઢ યાત્રાધામની કાયાપલટ કરાશે
  • ચાર ફેઝમાં 250 કરોડ ખર્ચી કાયાપલટ કરાશે
  • નીચેથી ઉપર સુધી વ્યવસ્થિત પગથિયાનું નિર્માણ કરાશે
  • નીચેથી ઉપર સુધી શેડ બનાવવામાં આવશે
  • શેડ સીસીટીવી કેમેરા અને લાઈટિંગથી સજ્જ હશે
  • દૂધિયા તળાવ પાસે સુંદર બગીચાનું પણ નિર્માણ કરાશે
  • આવનારા ભક્તો માટે થિયેટર પણ બનાવશે

પ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢની જુદા જુદા ચાર ફેઝમાં 250 કરોડ રૂપિયાના ખર્ચે કાયાપલટ કરવામાં આવનાર છે. શહેર નજીક આવેલ માતાજીના શક્તિપીઠ પૈકીનું એક એટલે પાવાગઢ. આ પાવાગઢની ટોચે કાળકા માતાનું જગ વિખ્યાત મંદિર આવેલું છે. આ પવિત્ર યાત્રાધામમાં લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ માતાજીનાં દર્શન કરવા આવતાં હોય છે. દર્શનાર્થે આવતા ભક્તોને કોઈ પણ મોસમમાં કોઈ જાતની તકલીફ ન પડે તે માટે મંદિર ટ્રસ્ટ દ્વારા રિનોવેશનની કામગીરી શરૂ કરવામાં આવી છે. યાત્રાધામ પાવાગઢમાં માચીથી લઈને છેક મંદિર સુધી વિવિધ સ્વરૂપે નવીનીકરણની કામગીરી કરાઇ રહી છે. જેમાં પગપાળા રસ્તાઓ પર ચાલીને માતાજીના દર્શન માટે જનારા ભક્તોને તાપ, વરસાદ જેવી કોઈ પણ ઋતુમાં તકલીફ ન પડે તે માટે નીચેથી ઉપર સુધી શેડ બનાવવામાં આવશે. આ શેડ સીસીટીવી કેમેરા અને લાઈટિંગથી સજ્જ હશે. આ સાથે દૂધિયા તળાવ પાસે સુંદર બગીચાનું પણ નિર્માણ કરાશે, સાથે ત્યાં આવનારા ભક્તો માટે થિયેટર પણ બનાવશે. જેમાં બેસી ભક્તો માતાજીની ફિલ્મો જોઈ શકશે. ત્યારબાદ મંદિર સુધી પહોંચવાનાં પ્રાચીન પગથિયાં કે જે નાનાં હોવાના કારણે ત્યાં ભક્તોની ભારે ભીડ થાય છે ત્યાં ઉપર ચડવા અને ઊતરવા માટે અલગ-અલગ પગથિયાંનું નિર્માણ કાર્ય ચાલુ છે. જેના કારણે ભક્તો આસાનીથી મંદિર સુધી પહોંચી શકશે.