ચીને લશ્કરી તાકાતનો દેખાડો કરીને દબદબો જમાવ્યો છે : આર્મી ચીફ

0
111

તા. 05
નવી દિલ્હી
લેફ્ટિનેન્ટ જનરલ મનોજ મુકુંદ નરવણેએ ચીનની સૈન્ય શક્તિ પર મોટુ નિવેદન આપ્યુ છે. સેના પ્રમુખનુ કહેવુ છે કે, છેલ્લા કેટલાક દાયકાઓમાં ચીન કોઈ યુધ્ધ લડ્યુ નથી. આમ છતા એક સૈન્ય શક્તિ તરીકે તેણે પોતાનો દબદબો ઉભો કરી દીધો છે. નરવણેએ કહ્યુ હતુ કે, ચીને વિવાદાસ્પદ દક્ષિણ ચીન સમુદ્રમાં એક પણ ગોળી ચલાવ્યા વગર આ ક્ષેત્રની જીઓ સ્ટ્રેટેજિક સ્થિતિ બદલી નાંખી છે. છેલ્લા કેટલાક દાયકાઓથી ચીન કોઈ યુધ્ધ લડયુ નથી પણ પોતાની સૈન્ય શક્તિનુ સતત પ્રદર્શન કરીને તેણે પોતાનો દબદબો જમાવ્યો છે.

એક સેમિનારમાં નરવણેએ કહ્યુ હતુ કે, છેલ્લા કેટલાક વર્ષોથી એવુ કહેવાતુ હતુ કે, લડાકુ વિમાનોના ઉપયોગના કારણે કોઈ પણ સંઘર્ષ પૂર્ણ સ્વરુપના યુધ્ધમાં ફેરવાઈ શકે છે. જોકે બાલાકોટ એર સ્ટ્રાઈકે આ માન્યતા ખોટી પાડી છે. જો તમારી પાસે સૈન્ય પ્રભુત્વ હોય તો કોઈ પણ કાર્યવાહી કરી શકો છો અને જરુરી નથી કે તે યુધ્ધમાં ફેરવાય.

આર્મી ચીફે કહ્યુ હતુ કે, ચીનના મહાન સેનાપતિ સુન ત્જુની રણનીતિ ચીને અપનાવી છે. જેનો મુકાબલો કરવા માટે ભારતના મહાન નીતિકાર ચાણક્યનુ અર્થશાસ્ત્ર આજે પણ ઉપયોગી છે. જેટલુ પહેલા હતુ. ભારત પણ હવે અંતરિક્ષમાં લડવાની, સાયબર વોરફેરની અને ઈલેક્ટ્રોનિક વોરફેરની ક્ષમતા વધારી રહ્યુ છે.લેસર વેપન્સ વિકસાવવા પર પણ ભાર મુકાઈ રહ્યો છે. તેમણે કહ્યુ હતુ કે, વિશ્વભરમાં ટેકનોલોજી ઝડપથી બદલાઈ રહી છે.બેટલ ટેન્ક અને ફાઈટર જેટ્સથી લડવાની ટેકનિક જુની થઈ ગઈ છે. આગામી સમયમાં નવી ટેકનોલોજીથી યુધ્ધ લડવાની નીતિઓમાં પણ બદલાવ જોવા મળશે.બદલતા સમય સાથે આપણી સેનાએ પણ બદલાવુ પડશે.