જમ્મુમાં આતંકવાદીઓએ ઘરમાં ઘૂસીને ભાજપના નેતાને મારી ગોળી

0
46

જમ્મુ,તા:09

જમ્મુ-કાશ્મીરનાં બડગામ જિલ્લાનાં ઓમ્પોરા વિસ્તારમાં રવિવારે સવારે ભાજપનાં કાર્યકર્તા અબ્દુલ હમીદ પર આતંકવાદીઓએ ગોળીબાર કર્યો હતો, સમાચાર છે કે આતંકવાદીઓ અબ્દુલ હમીદનાં ઘરે ઘૂસી ગયા હતા અને તેને ગોળી મારીને ત્યાંથી ફરાર થઈ ગયા હતા.

મળી રહેલી માહિતી અનુસાર, અબ્દુલ હમીદની હાલત ગંભીર છે. હોસ્પિટલમાં ઘટનાની માહિતી મળતા પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને સમગ્ર વિસ્તારને ઘેરી લીધો હતો અને આતંકવાદીઓની શોધખોળ તેજ કરી હતી. બડગામનાં એસએસપીએ જણાવ્યું હતું કે, ભાજપનાં ઓબીસી મોરચાનાં જિલ્લા પ્રમુખ અબ્દુલ હમીદ નઝર પર આતંકીઓએ હુમલો કર્યો હતો, ત્યારબાદ તેમને ઈજાગ્રસ્ત હાલતમાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

આર્ટિકલ, 370 અને 35 એ નાં પ્રથમ વર્ષગાંઠનાં એક દિવસ પહેલા 4 ઓગસ્ટનાં રોજ, આતંકીઓએ કુલગામનાં મીર બજારમાં ભાજપનાં સરપંચ આરિફ અહેમદને ગોળી મારી હતી, જેમાં તે ગંભીર રીતે ઘાયલ થયો હતો. આ પહેલા જમ્મુ-કાશ્મીરનાં બાંદીપોરામાં ભારતીય જનતા પાર્ટીનાં કાર્યકર વસીમ બારીની પણ ગોળીથી હત્યા કરવામાં આવી હતી. વસીમ સિવાય તેના પિતા બશીર અહેમદ અને તેના ભાઈ ઉમર બશીર પર પણ ગોળી ચલાવવામાં આવી હતી. ઈજાગ્રસ્ત હાલતમાં ત્રણેયને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, પરંતુ સારવાર શરૂ થતા પહેલા ત્રણેયનું મોત નીપજ્યું હતું.