જળપ્રલયથી ત્રણ રાજ્યમાં હાહાકાર, અત્યાર સુધીમાં 93 લોકો મોતને ભેટ્યાં

0
233

કેરળ, કર્ણાટક અને મહારાષ્ટ્રમાં વરસાદ અને પુરથી લોકો ત્રાહિમામ થયા છે. છેલ્લા 72 કલાકમાં ત્રણ રાજ્યોમાં 93 લોકો મોતને ભેટ્યાં છે. પૂર અને ભયંકર વરસાદથી કેરળમાં આ ચોમાસા દરમિયાન 42 લોકોના મોત થયા છે. કેરળના વાયનાડ અને મલપ્પુરમમાં ભૂસ્ખલનના કારણે 40 લોકો હજુ પણ ફસાયેલા છે. આમાં પણ મોતનો આંકડો વધે તેવી શક્યતા છે.

અહીં ખરાબ વાતાવરણ અને રેશ્ક્યુ ઓપરેશનમાં વિધ્નના કારણે વધારે ખુવારી થઈ રહી છે. રેસ્ક્યુ ઓપરેશનમાં સેના અને એનડીઆરએફની મદદ લેવામાં આવી રહી છે. ભારતીય સેના, નેવી અને એરફોર્સના જવાનો ખડાપગે ઉભા છે. પુરના પ્રભાવવાળા આ રાજ્યોમાં 16 જિલ્લાઓમાં 123 રેસ્ક્યુ ટીમ ફસાયેલા લોકોને મદદ કરવા પહોંચી રહ્યા છે.

કેરળમાં છેલ્લા 72 કલાકમાં 42 લોકોના મોત, કાટમાળમાં ફસાયેલા 40 લોકો કુદરતનું વિકરાળ રૂપ અને ગયા વર્ષે ઓગસ્ટમાં થયેલી દર્દનાક યાદો તાજી કરાવી જાય છે. શુક્રવારે કેરળમાં 27 જ્યારે 7 લોકોના શનિવારે મોત થયા છે. કુલ મળીને 72 કલાકમાં 42 લોકોના મોત થઈ ચુક્યા છે. અહી વાયનાડ અને મલપ્પુરમમાં મોટુ ભૂસ્ખલન થવાથી હજુ પણ 40 લોકો ફસાયા હોવાની આશંકા છે.

રેસ્ક્યુ ટીમે વાયનાડથી 8 મૃતદેહો બહાર કાઢ્યા છે. જ્યારે મલપ્પુરમના પહાડી ક્ષેત્રોમાં આવેલા ભૂસ્ખલનથી 10 લોકોના મોત થયા છે અને 30 લોકો હજુ પણ ગુમ છે. મુખ્યમંત્રી પિનરઈ વિજયને જણાવ્યુ કે હજુ પણ કેટલાયે લોકો ગુમ છે. સાચો આંકડો સામે આવતા હજુ થોડો સમય લાગશે. કેરળમાં હજુ પણ 20થી 40 સેમીની ગતિથી વરસાદ ખાબકી રહ્યો છે.

7 જિલ્લામાં રેડ એલર્ટ

વરસાદના કારણે કોચ્ચી એરપોર્ટ રવીવાર બપોર સુધી ત્રણ વાગ્યા સુધી વિમાનોના સંચાલનને બંધ કરી દેવામાં આવ્યુ છે. હવામાન વિભાગે કેરળના સાત જિલ્લાઓ એર્નાકુલમ, ઈડ્ડુકી, પલક્કડ, મલપ્પુરમ, કોઝીકોડ, વાયનાડ અને કન્નૂરમાં શનિવારે ભારે વરસાદના પગલે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યુ છે. 13 એનડીઆરએફની ટીમો અને 180 સેનાના રેસ્ક્યુ ઓપરેશન માટે કેરળ પહોંચી ગયા છે. અત્યાર સુધીમાં 64 હજારથી વધારે લોકોને રાહત શિબીરોમાં મોકલી દેવામાં આવ્યા છે.