જિલ્લામાં બે વર્ષમાં કુપોષિત જન્મેલાં બાળકોનાં મોતના આંકડા આવ્યા સામે

0
23

ગાંધીનગર
રાજ્યમાં કુપોષિત જન્મેલા બાળકોના મોત ના આંકડા ને લઈને આરોગ્ય મંત્રીએ વિધાનસભા પ્રશ્નોતરીમાં ધારાસભ્યને આપેલા જવાબમાં જણાવ્યું હતું કે, ગાંધીનગર જિલ્લામાં છેલ્લા બે વર્ષ દરમિયાન નબળા જન્મેલા 2702 નવજાત બાળકોને સીક ન્યુબોર્ન કેર યુનિટમાં દાખલ કરીને સારવાર આપવામાં આવી. દરમિયાન આ પૈકીના 432 બાળકોના મોત થયા હોવાનું જણાવ્યું હતું. ભિલોડાના ધારાસભ્ય ડૉ. અનિલ જોષિયારાએ આ સંબંધે પૂછેલા પ્રશ્નના જવાબમાં વધુમાં જણાવાયું છે કે વર્ષ 2018માં 1350 અને વર્ષ 2019માં 1352 નવજાત શિશુને સીક ન્યુબોર્ન કેર યુનિટમાં દાખલ કરાયા હતાં.

તેમાંથી 1925 સરકારી હોસ્પિટલમાં અને 777 તબદિલ થઇને સારવારમાં આવેલા બાળકો હતાં. સારવાર દરમિયાન વર્ષ 2018માં 219 અને વર્ષ 2019માં 213 બાળકોના મૃત્યુ થયાં હતાં. બાળ મરણ અટકાવવા માટે કેર યુનિટમાં પિડીયાટ્રીશ્યન અને મેડિકલ ઓફિસરની જગ્યાઓ અગ્રતાના ધોરણે ભરવા, તબીબ અને નર્સીંગ સ્ટાફને વિશેષ તાલીમ આપવા તથા જરૂરી સાધન સામગ્રી પુરતા પ્રમાણામાં ફાળવવા સહિતના પગલા લેવાય છે અને દવાઓ નિશુલ્ક અપાય છે.

જિલ્લામાં છેલ્લા એક વર્ષમાં મીઠાઇમાં ટેલ્કમ પાવડરની ભેળસેળ કરીને વેચાણ કરતા ગાંધીનગરના વલાદ ગામે આવેલા જયમાં કલાદેવી મિલ્ક ફૂડ પ્રોડક્ટસ તથા રહાનાવાલી મિલ્ક ફૂડ્સ પ્રોડક્ટસ નામના બે એકમ પર દરોડા પડાયા અને ત્યાંથી લેવાયેલા નમુના ભેળસેળવાળા જાહેર થતાં બન્ને એકમને ક્લોઝર નોટિસ આપીને સીલ મારવાની સાથે કેસ દાખલ કરવામાં આવ્યાં છે. ઉપરાંત બન્ને એકમના જવાબદાર વ્યક્તિઓ સામે પોલીસ ફરિયાદ નોંધાવાતા તેમની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી કરાયાનું આરોગ્ય મંત્રીએ ધંધુકાના ધારાસભ્ય રાજેશકુમાર ગોહિલના પ્રશ્નના જવાબમાં જણાવ્યું છે.