જે લોકો પક્ષ છોડીને ગયા છે તેમને ચપ્પલથી મારવા જોઈએ : હાર્દિક

0
63

ગાંધીનગર
તા : 06
કોંગ્રેસના નેતા હાર્દિક પટેલ પણ આજે સવારે રાજકોટ પહોંચી ચુક્યા છે ત્યારે તેમણે મીડિયા સાથે વાત કરતાં કોંગ્રેસ છોડી જનાર ધારાસભ્યો આંકરા પ્રહાર કર્યા છે. આ સાથે જ તેણે ભાજપ અને ચુંટણી પંચ સામે પણ પ્રશ્નો કર્યા હતા. હાર્દિક પટેલે જણાવ્યું હતું કે દર વખતે રાજ્યમાં કોઈપણ ચુંટણી હોય ત્યારે ભાજપ નેતાઓ ખરીદવા નીકળી પડે છે. આ વખતે પણ રાજ્યસભાની ચુંટણી પહેલા ભાજપે 150 કરોડ રૂપિયા ધારાસભ્યોને ખરીદવા માટે વાપર્યા છે. તેનો ઉપયોગ જો કોરોનાની સારવારમાં કર્યો હતો તો અનેક લોકોના જીવ બચી ગયા હોત. આ સાથે જ તેમણે આક્ષેપ કર્યો હતો કે ભાજપ કોંગ્રેસ તોડવાનો પ્રયત્ન કરી રહી છે.

હાર્દિક પટેલે પક્ષમાંથી રાજીનામું આપ્યું છે તેવા ધારાસભ્યો બાબતે કહ્યું હતું કે અંગત સ્વાર્થ અને રૂપિયા મળી જતા જે ધારાસભ્યોને રાતોરાત કોંગ્રેસ ગમતી બંધ થઈ જાય છે તે કોંગ્રેસના નહીં પણ જનતાના દોષી છે. બીજીવાર જ્યારે આવા પક્ષપલટુ નેતાઓ ચુંટણીમાં ઉતરે ત્યારે તેને જનતા જાકારો આપશે. આ તકે તેમણે એમ પણ કહી દીધું હતું કે આવા લોકોને ચપ્પલથી મારવા જોઈએ.

હાર્દિક પટેલે કરજણના અને મોરબીના ધારાસભ્યોનો ઉલ્લેખ કરી કહ્યું હતું કે કરજણના ધારાસભ્યના દિકરા વિરુદ્ધ ખનીજ ચોરીના કેસ ચાલે છે, મોરબીના ધારાસભ્યના સ્ટેચ્યુ ઓફ યુનિટિમાં ચાલતા પાર્લરોમાં ભાગ છે. આવા નેતાઓ સ્વાર્થ સાધવા ભાજપ સાથે જઈ રહ્યા છે. કોઈ પદ માટે નથી લડી રહ્યો તે લોકોની ચિંતા કરી લડવામાં માને છે. તેના માટે પદ મહત્વનું નથી. તેણે ઉમેર્યું હતું કે હાર્દિક પટેલ પદ વિના પણ શોભે જ છે. આ તકે તેણે ચુંટણી પંચ પર પણ પ્રહર કર્યા હતા કે તેમણે પક્ષપલટો કરતાં નેતાઓ વિરુદ્ધ કાર્યવાહી કરવી જોઈએ જે હાલ થતી નથી.