ધો.10 અને 12ની બોર્ડની પરીક્ષાની તારીખ જાહેર…જાણો ક્યારે લેવામાં આવશે પરીક્ષા

0
334

અમદાવાદ,તા:01.Jan.2020
વર્ષ 2020માં બોર્ડની પરીક્ષા દેનાર ગુજરાતના લાખો વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર આવી રહ્યા છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની પરીક્ષા સમિતિની આજે બેઠક યોજાઈ હતી. જેમાં ધોરણ 10 અને ધોરણ 12ની પરીક્ષાની તારીખો જાહેર કરવામાં આવી છે.ધોરણ 10 અને 12ની પરીક્ષા 5 માર્ચથી શરૂ થશે અને 21 માર્ચ સુધીમાં પૂર્ણ થઈ જશે. ધોરણ 10ની પરીક્ષા 17 માર્ચે જ્યારે ધોરણ 12 સાયન્સની પરીક્ષા 16 માર્ચ સુધી ચાલશે. તેમજ ધોરણ 12 સામાન્ય પ્રવાહની પરીક્ષા 21 માર્ચે પૂર્ણ થશે. જ્યારે ધોરણ 9 અને ધોરણ 11ની શાળાકીય વાર્ષિક પરીક્ષા 7 એપ્રિલથી 18 એપ્રિલ દરમ્યાન લેવામાં આવશે. તેમજ પેપરલીક થતું રોકવા માટે પેપર જ્યારે સેન્ટર પર પહોંચે ત્યારે તેના ફોટો પાડવાના રહેશે.બોર્ડ પરીક્ષાઓ ગત વર્ષ કરતા ચાલુ વર્ષે વહેલી પૂર્ણ થશે.

પેપરલીક થતું રોકવા ખાસ એપ વિકસાવાશે

માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા પેપરલીક રોકવા માટે એક ખાસ એપ વિકસાવવામાં આવશે. પેપર જ્યારે સેન્ટર પર પહોંચે ત્યારે તેના ફોટો પાડવાના રહેશે અને સંચાલક, નિરીક્ષક, સરકારી પ્રતિનિધિની હાજરીમાં પેપરનું સીલ તોડવાનું રહેશે.

પરીક્ષા ખંડો સીસીટીવીથી સજ્જ કરાશે અને મોબાઈલ પર સંપૂર્ણ પ્રતિબંધ

તેમજ પરીક્ષામાં કોઈ ગેરરીતિ ન થાય તે માટે પણ બોર્ડ દ્વારા કડક નિયમો બનાવવામાં આવ્યા છે. જેમાં તમામ પરીક્ષા ખંડોને સીસીટીવીથી સજ્જ કરવા ઉપરાંત, મોબાઈલના ઉપયોગ પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. પરીક્ષા કેન્દ્ર પર ઝેરોક્ષ મશીન અને ઈન્ટરનેટનો ઉપયોગ કરવા પર પણ નિયંત્રણ મૂકાયા છે. ખંડ નિરીક્ષકોને પણ પરીક્ષા શરુ થયાના એક કલાક પહેલા હાજર થઈ જવા ઉપરાંત, કોઈની પણ શેહ-શરમ કે દબાણમાં આવ્યા વિના ફરજ બજાવવાની તાકીદ કરાઈ છે.

38 નવા પરીક્ષા કેન્દ્ર મંજૂર

આ વર્ષે બોર્ડ દ્વારા ધોરણ 10ની પરીક્ષા માટે 29 નવા પરીક્ષા કેન્દ્રને મંજૂરી આપવામાં આવી છે.જ્યારે બોર્ડ ધોરણ 12 સામાન્ય પ્રવાહના 9 નવા કેન્દ્રો ફાળવવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે બિન સચિવાલયની પરીક્ષામાં થયેલા પેપરલીક કાંડમાં સંડોવાયેલી સ્કૂલોના પરીક્ષા કેન્દ્રો રદ કરવામાં આવ્યા છે.