નકલી ટોસિલિઝૂમેબ ઇન્જેક્શનનું કૌભાંડ સુરતમાંથી પકડાયું

0
76

ગાંધીનગર,તા:19 કોરોનાના દર્દીઓની મજબૂરીનો ફાયદો ઉઠાવીને ટોસિલિજુમેબ નામના મોંઘી કિંમતના ઇન્જેક્શનમાં નફાખોરી બાદ હવે નકલી ઇન્જેક્શન બનાવીને વેચવાનું કૌભાંડ ફૂડ એન્ડ ડ્રગ કન્ટ્રોલ ઓથોરિટી દ્વારા સુરતથી ઝડપી લેવામાં આવ્યું છે. અમદાવાદમાં વેચાતા નકલી ઇન્જેક્શનના તાર સુરત સુધી પહોંચ્યા હતા અને નકલી ઇન્જેક્શન બનાવનારને ઝડપી લેવામાં આવ્યો હતો. જે ઇન્જેક્શન વિશ્વમાં એકમાત્ર સ્વિત્ઝરલેન્ડની કંપની બનાવે છે તેવા નકલી ઇન્જેક્શન સુરતનો રહીશ પોતાના ઘરે બનાવતો હતો.

રાજ્યના ફૂડ એન્ડ ડ્રગ કમિશનર ડો.એચ.જી.કોશિયાએ જણાવ્યું કે અમદાવાદ ભુયંગદેવ ખાતે આવેલી સંજીવની હોસ્પિટલમાં દાખલ થયેલા દર્દી લત્તાબેન બલદુઆને ડો. દેવાંગ શાહ દ્વારા ટોસિલિજુમેબ 400 એમજી ઇન્જેક્શન પ્રિસ્ક્રાઇબ કરવામાં આવ્યું હતું. દર્દીના સગાએ ઇન્જેક્શનના ત્રણ બોક્સ જેનીક ફાર્માના લાવીને આપ્યા હતા. ડોક્ટરે આ ઇન્જેક્શન આપ્યા પછી ગુણવત્તામાં શંકા જતા ફરિયાદ કરાઇ હતી. જેથી તંત્ર દ્વારા તપાસ થતા દર્દીના સગાની પુછપરછમાં ઇન્જેક્શન સાબરમતી વિસ્તારના મા ફાર્મસી ખાતેથી 1.35 લાખમાં બિલ વગર મેળવ્યા હોવાનું જણાયું હતું. આ ફાર્મસીની તપાસ કરાતા તેમણે ચાંદખેડા વિસ્તારના હર્ષ ભરતભાઇ ઠાકોર પાસેથી બિલ વગર 80 હજારમાં 4 બોક્સ ખરીદ્યા હતા. હર્ષ ઠાકોરે આ ઇન્જેક્શન પાલડીના હેપી કેમીસ્ટ એન્ડ પ્રોટીન હાઉસના માલીક નિલેશ લાલીવાલા પાસેથી વગર બિલે 70 હજારમાં 4 બોક્સ ખરીદ્યા હોવાનું જણાવ્યું હતું.

આ બોક્સ ખરીદીને હર્ષ ઠાકોરે ઇન્જેક્શનના બોક્સની ડિઝાઇન ફોટોશોપમાં એડિટ કરીને બનાવટી ટોસિલિજુમેબનું નામ લખ્યું હતું. લાલીવાલાએ આ ઇન્જેક્શન સુરત ખાતેથી સોહેલ ઇસ્માઇલ તાઇ નામના વ્યક્તિ પાસેથી ખરીદ્યા હોવાનું જણાવતા અધિકારીઓએ સુરતમાં ઇસ્માઇલ તાઇના ઘરે દરોડો પાડતાં ફીલીંગ મશીન, સીલીંગ મશીન, કોડીંગ મશીન, રો મટીરીયલ, પેકીંગ મટીરીયલ મળી આવ્યા હતા. જેથી આ તમામ સાથે કુલ 8 લાખનો મુદ્દામાલ જપ્ત કરીને અન્ય ઇન્જેક્શન તપાસ માટે કબ્જે લેવામાં આવ્યા છે. આ તમામ સામે કાર્યવાહી હાથ ધરાઇ છે.