નવી દિલ્હી,તા:16 સુપ્રીમ કોર્ટમાંથી ક્યુરેટિવ પિટિશન ફગાવાયા પછી મુકેશે મંગળવારે રાષ્ટ્રપતિ પાસે દયા અરજી દાખલ કરી હતી. તેણે ડેથ વૉરંટ વિરુદ્ધ પણ હાઈકોર્ટમાં અરજી કરી હતી. જોકે, હાઈકોર્ટમાં જસ્ટિસ મનમોહન અને સંગીતા ઢીંગરાની પીઠે અત્યંત કડક ટિપ્પણી સાથે મુકેશની અરજી ફગાવતા કહ્યું કે, ‘ગુનેગારો ચાલાકીથી સિસ્ટમનો દુરુપયોગ કરી રહ્યા છે. આ રીતે તો લોકોનો સિસ્ટમ પરથી વિશ્વાસ જ ઉઠી જશે.’ આ સાથે કોર્ટે મુકેશને ડેથ વૉરંટ વિરુદ્ધ ટ્રાયલ કોર્ટમાં જવાનો પણ હાઈકોર્ટે આદેશ આપ્યો હતો.

નોંધનીય છે કે, દિલ્હીની પતિયાલા હાઉસ કોર્ટે સાતમી જાન્યુઆરીએ ચારેય ગુનેગારનું ડેથ વૉરંટ જારી કર્યું હતું. તેમાં 22 જાન્યુઆરીએ સવારે સાત વાગ્યે ફાંસી આપવાનું નક્કી કરાયું હતું.કોર્ટે આ અંગે રાજ્ય સરકારને નોટીસ ફટકારી આ અરજીની વધુ સુનાવણી ગુરુવારે બપોરે 2 વાગે નિયત કરી છે. આ સિવાય કોર્ટે આ સંદર્ભે નિર્ભયાના માતા-પિતાનો પણ મત માંગ્યો છે.

નિર્ભયા કેસમાં ડેથ વૉરંટ વિરુદ્ધ ગુનેગાર મુકેશની અરજી પર સુના‌વણી દરમિયાન દિલ્હી સરકારે બુધવારે હાઈકોર્ટને માહિતી આપી હતી કે, ચારેય ગુનેગારને 22 જાન્યુઆરીએ પણ ફાંસી નહીં આપી શકાય. જો મુકેશની દયા અરજી ફગાવી દેવાય, તો પણ 14 દિવસની મુદતનું નવું ડેથ વૉરંટ જારી કરવું પડશે. જેલ મેન્યુઅલ પ્રમાણે, ચારેય દોષિતને એક સાથે જ મોતની સજા આપી શકાય.અરજી પર સુનાવણી કરતી વખતે દિલ્હી સરકારે બેંચને જણાવ્યું કે, જેલના નિયમો પ્રમાણે, વોરંટ રદ કરવાના કેસમાં દયા અરજી અંગે નિર્ણયની રાહ જોવી જોઈએ. 22 જાન્યુઆરીએ ચારેય આરોપી ઓની ફાંસી નહીં થાય, કારણ કે આમાંથી એકની દયા અરજી પર હજુ કોઈ નિર્ણય આવ્યો નથી. આવી પરિસ્થિતિમાં ડેથ વોરંટ રદ કરવાની માંગ કરવું યોગ્ય નથી.તો બીજી બાજુ જેલ પ્રશાસનના વકીલ રાહુલ મેહરાના જણાવ્યા પ્રમાણે, ચારેય આરોપીને નિશ્વિત રીતે 22 જાન્યુઆરીએ ફાંસી આપવામાં નહીં આવે. રાષ્ટ્રપતિ તરફથી દયા અરજી રદ થયાના 14 દિવસ બાદ જ ફાંસી આપવામાં આવશે. આપણે નિયમોથી બંધાયેલા છીએ,કારણ કે અરજી ફગાવ્યા બાદ આરોપી ઓને 14 દિવસની નોટિસ આપવી જરૂરી છે.ત્યારબાદ નિર્ભયાની માતા આશા દેવીએ કહ્યું કે, વકીલ આરોપીને ફાંસી કરવામાં મોડું કરી રહ્યા છે અથવા આપણી સિસ્ટમની આંખો પર પાટા બાંધી રહી છે, જે ગુનેગારોનો સાથ આપી રહ્યા છે. હું 7 વર્ષથી લડાઈ લડી રહી છું. મને પુછવાની જગ્યાએ સરકારને પુછી રહ્યા છો કે ગુનેગારોને 22 જાન્યુઆરીએ ફાંસી આપવામાં આવે કે નહીં.

મુકેશના વકીલ રેબેકા જોને કહ્યું કે, સુપ્રીમ કોર્ટ રજિસ્ટ્રી તરફથી કાગળીયા મળ્યા બાદ 2 દિવસની અંદર ક્યૂરેટિવ પિટીશન દાખલ કરવામાં આવી હતી. ક્યૂરેટિવ અરજી ફગાવ્યા બાદ અરજી કરવા માટે અમે એક દિવસ પણ રાહ ન જોઈ. હું રાષ્ટ્રપતિને અરજી અંગે વિચાર કરવા માટે કહી રહી છું. દયા અરજી રાષ્ટ્રપતિનું બંધારણીય કર્તવ્ય છે.

તેની અરજી પર બુધવારે દિલ્હી હાઈકોર્ટના જસ્ટિસ મનમોહન અને જસ્ટિસ સંગીતા ધીંગરાની બેંચ સુનાવણી કરી રહી છે. આ સાથે જ નિર્ભયાની માતા આશા દેવીએ કહ્યું કે, આરોપી જે થાય એ કરી લે, પણ હવે આ કેસમાં બધુ સ્પષ્ટ છે. સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટેથી કંઈ જ છુપુ રહ્યું નથી. આશા છે કે મુકેશની માંગ ફગાવી દેવાશે.

ફાંસી પહેલા 14 દિવસનો સમય આપવામાં આવેઃમુકેશ

આરોપી મુકેશે કોર્ટને કહ્યું કે, તેની દયા અરજી દિલ્હીના ઉપરાજ્યપાલ અને રાષ્ટ્રપતિ પાસે છે. જેના નિર્ણય માટે ફાંસી પહેલા તેને 14 દિવસનો સમય આપવામાં આવે. આ પહેલા મંગળવારે સુપ્રીમ કોર્ટે બે આરોપી મુકેશ અને વિનય શર્માની ક્યૂરેટિવ પિટીશન ફગાવી દીધી હતી. ટ્રાયલ કોર્ટે ગત સપ્તાહે તમામ ચાર આરોપીઓ મુકેશ, વિનય, પવન અને અક્ષયનું ડેથ વોરંટ જાહેર કર્યું હતું. જેમાં તિહાર જેલમાં ફાંસી માટે 22 જાન્યુઆરી સવારે 7 વાગ્યાનો સમય નક્કી કરાયો હતો. હવે આરોપીઓ પાસે માત્ર 7 દિવસ જ બચ્યા છે.

દિલ્હી સરકારે મુકેશની દયા અરજી ફગાવવાની ભલામણ લે. ગવર્નરને મોકલી દીધી છે. નાયબ CM મનીષ સિસોદિયાએ કહ્યું કે, સરકારે ખૂબ જ ઝડપથી આ નિર્ણય કર્યો છે. લે. ગવર્નર જ આ સૂચન ગૃહ મંત્રાલયને મોકલશે,ત્યાંથી તે રાષ્ટ્રપતિ પાસે જશે.નિર્ભયાના ગુનેગારો ફાંસીના માંચડે પહોંચતા છટકી જાય છે એ માટે રાષ્ટ્રીય મહિલા આયોગના અધ્યક્ષ રેખા શર્માએ દિલ્હી સરકારની ટીકા કરી હતી. તેમણે કહ્યું કે, દોષિતોને ડેથ વૉરંટની તારીખ 22 જાન્યુઆરીએ જ ફાંસીએ લટકાવી દેવાય.