પીસીબીની કંગાળ હાલતમાં પેપ્સીનો સહારો

0
45

કરાચી
તા : 17
કોરોના વાયરસ બાદ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (પીસીબી)ની હાલત કંગાળ બની ગઈ હતી પરંતુ તેવામાં તેને હવે પેપ્સીનો સહારો મળી ગયો છે કેમ કે આ કંપની હવે તેની મુખ્ય સ્પોન્સર બની છે તેમ પીસીબીએ જાહેરાત કરી હતી. પાકિસ્તાનની મેન્સ ટીમને સ્પોન્સર કરવા માટે પેપ્સીએ એક વર્ષ માટે કરાર લંબાવી દીધો છે. આ કરાર મુજબ હવે જૂન 2021 સુધી તેઓ પાકિસ્તાનની ક્રિકેટ ટીમને સ્પોન્સર કરશે. આ દરમિયાન પાકિસ્તાની ટીમ પાંચમી ઓગસ્ટથી ઇંગ્લેન્ડ સામે ત્રણ ટેસ્ટની સિરીઝ રમશે અને એટલી જ વન-ડે મેચ પણ રમશે.

ઝિમ્બાબ્વે અને સાઉથ આફ્રિકન ટીમ પાકિસ્તાનનો પ્રવાસ કરશે જ્યારે પાકિસ્તાની ટીમ આ ગાળામાં ઝિમ્બાબ્વે, સાઉથ આફ્રિકા અને ન્યૂઝીલેન્ડનો પ્રવાસ ખેડવાની છે. પીસીબીએ જાહેરાત કરી હતી કે ઇંગ્લેન્ડના પ્રવાસ દરમિયાન મોબાઇલ ફાઇનાન્સિયલ સર્વસ ઇઝી પૈસા પાકિસ્તાની ટીમની સહ પ્રાયોજક રહેશે. પીસીબીના અધિકારીએ જણાવ્યું હતું કે હાલના સંઘર્ષપૂર્ણ સમયમાં અમને આનંદ છે કે પેપ્સી સાથે અમે એક સ્વિકાર્ય સમજૂતી સુધી પહોંચી શક્યા છીએ. જે અમારી સાથે આગામી એક વર્ષ સુધી પ્રમુખ ભાગીદાર તરીકે રહેશે. પેપ્સી અમારી સાથે 1900ના દાયકાથી પ્રાયોજક તરીકે રહી છે અને આગામી 12 મહિના સુધી આ કરાર જારી રાખવા માટે અમે આતુર છીએ.

પાકિસ્તાનની ક્રિકેટ ટીમ હાલમાં ઇંગ્લેન્ડ પહોંચી ગઈ છે અને ત્યાં પ્રેક્ટિસ કરી રહી છે. ઇંગ્લેન્ડ હાલમાં વેસ્ટ ઇન્ડિઝ સામે ટેસ્ટ સિરીઝ રમી રહી છે ત્યાર બાદ તેઓ પાકિસ્તાન સામે ત્રણ ટેસ્ટ અને ત્રણ વન-ડેની સિરીઝ રમશે. કોરોના વાયરસને કારણે સમગ્ર વિશ્વમાં ક્રિકેટ અટકી પડ્યું હતું ત્યારે આ બે સિરીઝથી તેનું પુનરાગમન થયું છે.