પુરવઠા તંત્રની ઘોર બેદરકારી:પાઈપ લાઈનમાં ભંગાણથી ખેતરમાં ઉભા ઘઉંનો સોથ વળ્યો

0
293

બાયડ,તા:14 એક બાજુ ઉનાળો દસ્તક દઈ રહ્યો છે બીજીબાજુ ઉનાળો આવતાની સાથે જ અરવલ્લી જિલ્લામાં પાઈપ લાઇનો તૂટવા લાગે છે,અરવલ્લી જીલ્લામાં કેનાલ અને પાણી પુરવઠા તંત્રની ઘોર બેદરકારીના કારણે ભંગાણ સર્જાતા પાણીનો વેડફાટ થવાની સાથે ખેતરોમાં પાણી ફરી વળતા ખેડૂતોએ મહામહેનતે પકાવેલા પાકનો સોથ વળી જતા ખેડુતોને ભારે નુકશાની સહન કરવાનો વારો આવે છે બીજીબાજુ પુરવઠા અને સિંચાઈ વિભાગ દ્વારા જાણે કોઇ જ કાળજી ન લેવાતી હોવાને કારણે આખરે ખેડૂતોએ જ ભોગવવાનો વારો આવે છે.માલપુર તાલુકાના સાતરડા ગામે પાણીની પાઈપલાઈનમાં ભંગણ સર્જાતા પાણી ખેતરોમાં ફરી વળતા ખેડૂતોના ઉભા પાકને મોટુ નુકસાન થવા પામ્યું છે, સાતરડા ગામે ખેતરમાંથી પસાર થતી પાણી પુરવઠાની મુખ્ય લાઈનમાં ભંગાણ સર્જાતા ઘઉંના પાકને નુકસાન થયું છે, હવે ઘઉંનો પાક લેવાની તૈયારી ખેડૂતો કરી રહ્યા હતા, જો કે બેદરકારીથી પાણીની પાઈપ લાઈન જાણે ખેડૂતો માટે અભિશાપ લઇને આવી અને ખેડૂતોની રોજી પર ફરી વળતા અધિકારીઓના પેટનું પાણી પણ ન હલ્યું હોય તેવું લાગી રહ્યું છે,,

ખેડૂતોનું માનીએ તો અનેકવાર રજૂઆત કરવા છતાં પણ તેમની વાત સાંભળવામાં નહોતી આવી અને ઉડાઉ જવાબો મળ્યા હતા. એટલું જ નહીં અનેક વાર આ પ્રકારની પાણીની પાઈપલાઈન તૂટી જવાને કારણે ખેડૂતોને મોટું નુકસાન થઇ રહ્યું છે, પણ કોઇ જાણે પાણી પુરવઠા વિભાગ કેમ કાંઇ કરતી નથી તે એક સવાલ છે ખેડૂતોના મનમાં પેદા થઇ રહ્યો છે પાણી પુરવઠા વિભાગ ના કર્મચારીઓનો ખેડૂતો ને ઉદ્ધત જવાબ આપવામાં આવતો હોવાનો આક્ષેપ કર્યો હતો