સારવારની દૃષ્ટિએ પણ ભારતમાં જાતિભેદ પ્રવર્તે છે. રોગથી પીડાતી હોવા છતાં પુરુષો કરતાં મહિલાઓને હોસ્પિટલમાં ઓછી દાખલ કરવામાં આવે છે. હોસ્પિટલમાં પુરુષ પર સરેરાશ 23,666 રૂપિયા અને મહિલા પર 16,881 રૂપિયા ખર્ચ થાય છે. એટલે કે 40% વધુ ખર્ચ થાય છે. આ આંકડાઓ દિલ્હીની જવાહરલાલ નહેરુ યુનિવર્સિટી અને ઇન્ટરનેશનલ ઇન્સ્ટિટ્યૂટ ફોર અપ્લાઇડ સિસ્ટમ એનાલિસિસ ઓસ્ટ્રિયાનાં સંશોધન દરમિયાન બહાર આવ્યા છે.

રિસર્ચમાં નેશનલ સેમ્પલ સર્વે ઓફિસ (NSSO)ના ડેટાનો સમાવેશ કરવામાં આવ્યો છે, જે હોસ્પિટલમાં દાખલ કરાયેલા દર્દીના સંબંધીઓમાં જાતિભેદનો પૂર્વગ્રહ દર્શાવે છે. સંશોધન મુજબ, જ્યારે ઘરની વસ્તુઓ વેચીને સારવારના ખર્ચની ચુકવણી કરવાનો સમય આવે છે ત્યારે તે દર્દી સ્ત્રી છે કે પુરુષ તેની પર વિચાર કરવામાં આવે છે.

સ્ત્રીઓ પ્રત્યેના આવા ભેદભાવના બે કારણો છે. પ્રથમ, ફક્ત 27% મહિલાઓ જ નોકરી કરે છે અને અન્ય મહિલાઓ ઘરની સંભાળ રાખવામાં સમય

કાઢે છે. તેમના તરફથી આર્થિક સહાયતાના અભાવને કારણે તેમના પર ઓછું ધ્યાન આપવામાં આવે છે. બીજું કારણ એ કે મહિલાઓની આરોગ્ય સંભાળ એ સમાજમાં ક્યારેય મુદ્દો રહ્યો નથી.

સંશોધનમાંથી એ વાત જાણવા મળી છે કે, પુરુષોનું સ્વાસ્થ્ય ભારતમાં મહિલાઓ કરતાં વધુ મહત્ત્વપૂર્ણ માનવામાં આવે છે. આટલું જ નહીં, મહિલાઓને હોસ્પિટલમાં પણ ઓછી સારસંભાળ મળે છે. આવા કેસો ઓછી આવક ધરાવતા ઘરોમાં સૌથી વધારે જોવા મળે છે.

ભારતમાં જે રીતે ભ્રૂણ હત્યામાં પણ જાતિ ભેદભાવ એ એક મહત્ત્વપૂર્ણ પરિબળ છે, તે જ રીતે, સેંકડો વર્ષોથી પુરુષો અને સ્ત્રીઓની સારવારમાં પણ ભેદભાવ રહ્યો છે.