યુએસ ઓપન ટેનિસમાંથી ખસી ગઈ વિમેન્સ ચેમ્પિયન બિયાંકા

0
60

મુંબઈ
તા : 14
કોરોના વાયરસને કારણે વિશ્વભરમાં ઘણી ટુર્નામેન્ટ અટકી પડી છે કેટલીક ટુર્નામેન્ટના આયોજનમાં વિલંબ થયો છે તો કેટલીક રદ પણ કરવી પડી છે. તેવામાં ઘણા સ્ટાર ખેલાડીઓ છે જે ગ્રાન્ડસ્લેમમાં ભાગ લેવા માગતા નથી. રફેલ નડાલે આ વર્ષની યુએસ ઓપન ગ્રાન્ડસ્લેમ ટેનિસ ટુર્નામેન્ટમાંથી પોતાનું નામ પરત ખેંચી લીધું છે અને હવે ગયા વર્ષની વિમેન્સ સિંગલ્સ ચેમ્પિયન બિયાંકા આન્દ્રેસ્ક્યુનું નામ પણ તેમાં જોડાયું છે.

બિયાંકા આન્દ્રેસ્ક્યુ ટેનિસ ક્ષેત્રની ઉભરતી ખેલાડી છે અને ગયા વર્ષે તે યુએસ ઓપનમાં ચેમ્પિયન બની હતી. 2019ની વિમેન્સ સિંગલ્સની ફાઇનલમાં બિયાંકા આન્દ્રેસ્ક્યુએ અમેરિકાની સેરેના વિલિયમ્સને હરાવીને મોટો અપસેટ સર્જ્યો હતો.

બિયાંકા આન્દ્રેસ્ક્યુએ તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર આ માહિતી આપી હતી. તેને જણાવ્યું હતું કે કોરોના વાયરસના જોખમને કારણે તે આ વર્ષે ન્યૂયોર્કમાં યુએસ ઓપનમાં ભાગ લેનારી નથી. મેં ઘણો વિચાર કરીને તથા મિત્રો અને પરિવારજનોની સલાહ લીધા બાદ આ નિર્ણય લીધો છે. કોરોના વાયરસને કારણે મારી તૈયારીઓ પર પણ માઠી અસર પડી છે. હવે તે ફિટનેસ પર ધ્યાન આપીને આવતા વર્ષે યુએસ ઓપનમાં રમવા માટેની તૈયારીમાં લાગી જશે.આ વર્ષે તો તેમા ભાગ લેવો મુશ્કેલ છે.