રશિયા બાદ હવે ઈઝરાયલે વેક્સીન બનાવી હોવાનો કર્યો દાવો

0
81

જેરુસલેમ,તા:07

ઇઝરાયેલે ગુરુવારે દાવો કર્યો હતો કે તેણે કોરોના વાયરસની રસી બનાવી છે. ઇઝરાયેલે કહ્યું કે, માનવો પર ટેસ્ટિંગ માટે સરકારની પરવાનગી લેવી પડશે. પાનખરની રજાઓ બાદ આ રસીનું ટેસ્ટિંગ શરૂ કરવામાં આવશે. ઇઝરાયલનાં સંરક્ષણ પ્રધાન બેની ગાન્ટઝે આ રસી વિશે જાણવા ઇઝરાઇલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ બાયોલોજિકલ રિસર્ચની મુલાકાત લીધી હતી.

સંસ્થાનાં ડિરેક્ટર પ્રોફેસર શેમ્યુઅલ શપીરાએ તેમને આ નવી ઇઝરાયલી રસી વિશે માહિતી આપી હતી. ઇઝરાયલી સંરક્ષણ અને વડા પ્રધાન કચેરીએ એક નિવેદન બહાર પાડીને કહ્યું છે કે એક ખૂબ જ ઉત્તમ રસી બનાવવામાં આવી છે અને તેના માણસો પર ટ્રાયલ માટેની પ્રક્રિયા ચાલુ છે. સંસ્થાનાં ડિરેક્ટરે જણાવ્યું હતું કે આપણે પાનખરની રજાઓ પછી માણસો પર આ રસીનું ટ્રાયલ શરૂ કરીશું. જો કે, આ રસી હવે આપણા હાથમાં આવી ગઈ છે. શાપીરાએ કહ્યું કે, તેમને પોતાની રસી પર ગર્વ છે. આ નિવેદનમાં કહેવામાં આવ્યું નથી કે રસીનો ઉપયોગ કેટલો સમય થશે. મે મહિનાની શરૂઆતમાં, ઇઝરાયલી સંરક્ષણ પ્રધાન નફાતાલી બેનેટે દાવો કર્યો હતો કે દેશની સંરક્ષણ બાયોલોજિકલ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા કોરોના વાયરસની રસી બનાવવામાં આવી છે. તેમણે કહ્યું કે સંસ્થાએ કોરોના વાયરસ માટે એન્ટિબોડીઝ તૈયાર કરવામા મોટી સફળતા મેળવી છે.

સંરક્ષણ પ્રધાન બેનેટે જણાવ્યું હતું કે, કોરોના વાયરસ રસીનાં વિકાસનો તબક્કો હવે પૂર્ણ થઈ ગયો છે અને સંશોધનકારો તેના પેટન્ટ અને મોટાપાયે ઉત્પાદન માટે તૈયારી કરી રહ્યા છે. ઇઝરાયલનાં વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહુની ઓફિસ અંતર્ગત અત્યંત ચાલતા ખૂબ જ ગુપ્ત ઇઝરાયલ ઈન્સ્ટિટ્યૂટ ફોર બાયોલોજિકલ રિસર્ચની મુલાકાત બાદ બેનેટ દ્વારા આ ઘોષણા કરવામાં આવી હતી. સંરક્ષણ પ્રધાનનાં જણાવ્યા અનુસાર, આ એન્ટિબોડી કોરોના વાયરસ પર મોનોક્લોનલ રીતે હુમલો કરે છે અને માંદા લોકોનાં શરીરની અંદર જ કોરોના વાયરસનો ખાત્મો કરી દે છે.