રાજકોટમાં ચારે બાજુ પાની પાની રે…!, જાણો મચ્છુ ડેમ, ડોડી ડેમ, આજી-2 ડેમ, આજી-3 અને ન્યારી-2ની સ્થિતિ

0
406

રાજકોટમાં છેલ્લા 24 કલાકમાં ભારેથી અતિભારે વરસાદે જળબંબાકારની સ્થિતિ કરી મૂકી છે. રાજકોટમાં છેલ્લા 24 કલાકમાં આઠ ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે. વરસાદને કારણે શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે.

શહેરના તમામ અંડરપાસમાં પાણી ભરાઈ જવાને કારણે વાહન ચાલકોને ખૂબ મુશ્કેલી નડી હતી. બીજા સારા સમાચાર છે કે વરસાદને કારણે આજી-2 ડેમ ઓવરફ્લો થઈ ગયો છે. પડધરી ખાતે આવેલો ડોડી ડેમ પણ વરસાદને કારણે ઓવરફ્લો થયો છે.

ગત 15મી જુનથી ચોમાસાની શરૂઆત થઈ હતી. પણ સારા વરસાદના અભાવે સરકારે સૌની યોજના અંતર્ગત લીન્ક સીસ્ટમથી ડેમ ભરવાનું ચાલુ કર્યુ હતુ. સૌરાષ્ટ્રમાં સારા વરસાદના અભાવે ડેમમાં હજુ જોઈએ એવો નોંધપાત્ર જળજથ્થો આવ્યો નથી. સોમવારે સવારથી વરસાદનો પ્રારંભ થતા સૌરાષ્ટ્રના 77 ડેમો પૈકી હાલ તો ફકત 5 ડેમોમાં નીર આવતા ડેમ સપાટીમાં વૃદ્ધિ થઈ છે.

પાણીની સતત આવક બાજ આજી-2ના ત્રણ દરવાજા ખોલવામાં આવ્યા છે. ડેમના દરવાજા ખોલવામાં આવતા નીચાણવાળા વિસ્તારોમાં આવતા ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. તો બીજી બાજુ પાંભર ઈટાળા ગામ ખાતે આવેલો ડોડી જળસંપત્તિ સિંચાઈ ડેમ ઓવરફ્લો થઈ ગયો છે. એક જ રાતમાં આ ડેમ ઓવરફ્લો થઈ જતાં ખેડૂતોમાં આનંદની લાગણી વ્યાપી છે.

ખાસ નોંધનીય એ છે કે આજ સુધી ટંકારા નજીકનો ડેમી ડેમ સાવ કોરો ધાકોર હતો એમાં ઉપરવાસ અને ટંકારા પંથકમાં વરસાદના કારણે એક જ દિવસમાં સાડા દશ ફુટ પાણી આવતા લોકો ખુશખુશાલ થઈ ગયા હતા.

આ ઉપરાંત મચ્છુ ડેમમાં ચાર ફુટ નવા નીર આવ્યા છે. આજી ર ડેમમાં પોણા ત્રણ ફુટ, પડધરી પાસે આવેલા આજી -3માં ચાર ફુટ , ન્યારી -2 ડેમમાં 1 ફુટ નવુ પાણી આવ્યુ છે.
જેના કારણે ડેમની સપાટીમાં આંશિક વધારો થયો છે. હજુ સાર્વત્રિક સારા વરસાદની રાહ જોવાઈ રહી છે.