રાજકોટમાં મહિલાઓની સુરક્ષાને લઇ સુરક્ષિતા એપ અને દુર્ગા શક્તિ ટીમનું અનાવરણ….

0
93

રાજકોટ,તા:16 દેશમાં મહિલાઓ સાથે થતી છેડતીઓ અને અણબનાવને ધ્યાને રાખીને રાજકોટ પોલીસ દ્વારા ગુજરાતમાં સૌપ્રથમવાર મહિલાની સુરક્ષાને લઇ સુરક્ષિતા એપ અને દુર્ગા શક્તિ ટીમ બનાવી છે. જેનું અનાવરણ આજે પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ અને મેયર બીનાબેન આચાર્યના હસ્તે કરવામાં આવ્યું હતું. ગુજરાતમાં પહેલી વાર મહિલા સુરક્ષા માટે આ પ્રકારની એપ બનાવી છે. આ એપ ડાઉનલોડ કરવા માટે પ્લે સ્ટોરમાં surakshita લખી ડાઉનલોડ કરી શકાય છે.

આ રીતે એપ કામ કરશે

સ્ટેપ-1 ટ્રેક યોર રાઇડ: તમે મુસાફરી કરી રહ્યા હો ત્યારે એપમાં આપેલી વિગત એટલે કે તમારૂ નામ, મોબાઇલ નંબર, મુસાફરી શરૂ કરી તે સ્થળનું નામ, મુસાફરી પૂરી થવાની છે તે સ્થળનું નામ, સમય અને વાહનનો નંબર ભરી સબમીટ કરી દો. આ વિગત સબમીટ કરતા જ તમારા ફોનમાં તમે ભરેલી વિગતનો મેસેજ આવી જશે.

સ્ટેટ-2 હેલ્પ: તમને જ્યારે પોલીસની મદદની જરૂર હોય ત્યારે હેલ્પ બટન ઉપર ક્લિક કરતા પોલીસ કંટ્રોલ રૂમ તેમજ તમોએ એપમાં રજીસ્ટર કરેલા ગાર્ડીયન્સના મોબાઇલ નંબર પર હું મુશ્કેલીમાં છું તેઓ મેસેજ જતો રહેશે.

તમોએ હેલ્પ બટન ક્લિક કરવાથી આવેલો મેસેજ પોલીસ કંટ્રોલ રૂમ તથા તમારા ગાર્ડીયન્સને તમો હાલ કંઇ જગ્યાએ છો તેની કરંટ લોકેશનની લીંક આવી જશે, જે ઉપરથી પોલીસ તમારૂ લોકેશન લઇ તમો જે જગ્યાએ હોય તે જગ્યાએ તાત્કાલિક મદદ માટે પહોંચી જશે.

રાજકોટના દરેક પોલીસ સ્ટેશનમાં દુર્ગાશક્તિ ટીમ

રાજકોટ શહેર પોલીસ દ્વારા દુર્ગા શક્તિ નામની એક ટીમ પણ બનાવવામાં આવી છે. જે ટીમ દરેક પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવશે. દરેક પોલીસ સ્ટેશનમાં દુર્ગા શક્તિ ટીમની ચાર મહિલા કોન્સ્ટેબલ ફરજ બજાવશે. શક્તિ ટીમનું મુખ્ય કામ મહિલાઓને સુરક્ષા પૂરી પાડવી. તેમની સાથે બનતા અઘટિત બનાવોને રોકવા. તેમજ મહિલાઓમાં જાગૃતતા આવે તે પ્રકારના કાર્યો કરવાના રહેશે. તો સાથે જ ભોગ બનનાર નું કાઉન્સિલિંગ કરવાની જવાબદારી પણ દુર્ગા શક્તિ ટીમની રહેશે.