રાજકોટે રચ્યો વધુ એક ઈતિહાસ, સ્વદેશી વેન્ટિલેટર ‘ધમણ-1’ બનાવ્યું

0
273

અમદાવાદ,તા:04 કોરોના વાઈરસથી વિશ્વભરમાં ફેલાયેલી મહામારી સામેની લડતમાં ગુજરાતે આજે એક મહત્ત્વની સફળતા પ્રાપ્ત કરી છે. રાજકોટની એક કંપનીએ કોરોના દર્દીઓના ઈલાજમાં સૌથી મહત્ત્વની ભૂમિકા ભજવતા સ્વદેશી બનાવટના વેન્ટિલેટરનું ફક્ત 10 દિવસમાં નિર્માણ કરી દેખાડ્યું છે. ધમણ-1 નામના આ વેન્ટિલેટરની ખાસિયત એ છે કે તેના બધા પાર્ટ્સ સ્વદેશી છે અને તેની પડતર ફક્ત રૂ. 1 લાખ જેટલી છે. જ્યારે બજારમાં અન્ય સામાન્ય વેન્ટિલેટર ની કિંમત રૂ. 6.50 લાખ જેટલી હોય છે અને અત્યારે તો તેની પણ ભયંકર શોર્ટેજ છે. મુખ્યમંત્રી વિજય રૂપાણી તથા રાજકોટની કંપની જ્યોતિ સીએનસીના પરાક્રમસિંહ જાડેજાએ આજે ગાંધીનગરમાં ધમણ-1ને લોંચ કર્યું હતું. આગામી 10 દિવસમાં ગુજરાત સરકારને કંપની તરફથી 1000 ધમણ-1 વેન્ટિલેટર સપ્લાય કરાશે.

મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, કોરોના વાઈરસ સામેની લડાઈમાં વેન્ટિલેટરની સૌથી મહત્ત્વની ભૂમિકા છે. પોઝિટિવ દર્દીને શ્વાસમાં તકલીફ પડે એટલે વેન્ટિલેટર પર તેને રાખવા પડે છે. આવામાં વેન્ટિલેટરની અછત સર્જાય તે સ્વાભાવિક છે. જો કે, રાજકોટની જ્યોતિ સીએનસીએ ઓછા ખર્ચે અસરકારક વેન્ટિલેટર બનાવવાનો પડકાર ઝીલ્યો હતો અને પરાક્રમસિંહ જાડેજાએ મેઈડ ઈન ગુજરાત, મેઈડ ઈન રાજકોટ એવું આ વેન્ટિલેટર બનાવીને તેને કાર્યરત કરી દેખાડ્યું છે.

અત્યારે કોઈ ઈમ્પોર્ટ્સ થતી નથી માટે વિદેશમાંથી વેન્ટિલેટરના પાર્ટ્સ મેળવવા અશક્ય છે. આવામાં ભારતની 26 જેટલી કંપનીઓનો જ્યોતિ સીએનસીએ સંપર્ક કરીને પાર્ટ્સની ઈન્ક્વાયરી કરી હતી. આ તમામ કંપનીએ પાર્ટ્સ આપવા ઉત્સુકતા દાખવી હતી અને અત્યારે તેનો કોઈએ ભાવ ક્વોટ નથી કર્યો અને પેમેન્ટ પણ માગ્યું નથી. આ વિગતો જણાવતા પરાક્રમસિંહે ઉમેર્યું હતું કે, વેન્ટિલેટર બનાવવા સુરત, જામનગર, મોરબી, મુંબઈ, ચેન્નઈ, બેંગ્લોર સહિતની ભારતીય કંપનીઓએ પાર્ટ્સ આપ્યા છે અને આ કારણે જ આ વેન્ટિલેટરની બનાવટનો ખર્ચ રૂ. 1 લાખથી પણ ઓછો આવ્યો છે.