રામાયણના વર્લ્ડ રેકોર્ડ પર ઉપરાષ્ટ્રપતિએ ટ્વીટ કરીને પાઠવી શુભેચ્છા

0
118

નવી દિલ્હી,તા:05 રામાનંદ સાગરની રામાયણે લોકડાઉનમાં દર્શકોનું ખૂબ મનોરંજન કર્યુ છે. 80ના દાયકાની જાણિતી સીરીયલ ‘રામાયણ’ને લઇને ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડૂએ ટ્વિટ કરી છે. ઉપરાષ્ટ્રપતિએ નવી પેઢીને દેશની સંસ્કૃતિ અને લોક પરંપરાનો પરિચય કરાવવા માટે દૂરદર્શનનો આભાર માન્યો છે. આ સાથે જ ‘રામાયણ’ સીરીયલના વર્લ્ડ રેકૉર્ડ બનાવવા પર ખુશી વ્યક્ત કરી છે.

વેંકૈયા નાયડૂએ લખ્યુ છે કે, ભારતીય મહાકાવ્યો પર આધારિત 80ના દાયકાની લોકપ્રિય સીરીયલનું દૂરદર્શન દ્વારા ફરીથી પ્રસારણ કરવું તે પ્રશંસનીય પહેલ છે. નવી પેઢીને આપણી સમૃદ્ધ સંસ્કૃતિ અને લોક પરંપરાનો પરિચય કરાવવા માટેના દૂરદર્શનના આ પ્રયત્ન માટે આભાર વ્યક્ત કર્યો છે.

તેમણે લખ્યું છે, ઑલ્ડ ઇઝ ગોલ્ડ. હરિ અનંત, હરિ કથા અનંતા. આ જાણીને આનંદ થયો છે કે દૂરદર્શન દ્વારા ફરીથી પ્રસારિત કરવામાં આવેલી સીરીયલ રામાયણને લોકપ્રિયતામાં વર્લ્ડ રેકૉર્ડ પ્રાપ્ત કર્યો છે, અને આ વિશ્વમાં સૌથી વધારે જોવામાં આવતી સીરીયલ બની ગઇ છે.

રામાનંદ સાગરની રામાયણનો અંતિમ એપિસોડ 2જી મેના રોજ પ્રસારિત કરવામાં આવ્યો હતો. ત્યારબાદથી ટ્વિટર પર આખો દિવસ રામાયણ ટ્રેન્ડ થતું રહ્યું છે. ઉલ્લેખનીય છે કે રામાયણ સીરીયલે તાજેતરમાં જ ટીઆરપી મેળવવામાં વર્લ્ડ રેકૉર્ડ બનાવ્યો છે. રામાયણ સીરીયલ 16 એપ્રિલે 7.7 કરોડ લોકોએ જોઇ હતી, જે વિશ્વભરમાં અત્યાર સુધીમાં સૌથી વધારે જોવામાં આવેલી સીરીયલ બની ચૂકી છે.