લગ્નની શરણાઇ વાગવામાં થોડા દિવસોની વાર હતી….એવામાં તો વેવાઈ વેવાણને લઈને ભાગી ગયા…

0
8049

સુરત,તા:22 એક તરફ જ્યાં લગ્નની શરણાઇ વાગવામાં થોડા દિવસોની વાર હતી. યુવક અને યુવતી બંને લગ્નને લઇને ઉત્સાહમાં હતા અને મોટાભાગની ખરીદી પણ થઇ ગઇ હતી. એવામાં વેવાઇ ભાવી વેવાણને લઇને ભાગી જવાની ઘટના સામે આવતા બંને પરિવારો વચ્ચે સબંધો વણસી ગયા હતા અને યુવક-યુવતી બંનેએ આ લગ્ન કરવાનું કેન્સલ રાખ્યું હતુ.ગુજરાતના સુરતમાં બે પરિવારો યુવક – યુવતીના લગ્નની તૈયારીમાં વ્યસ્ત હતા. લગ્નનો હોલ, કપડા, કેટરીંગ, ઘરેણાથી લઇને મોટાભાગની તૈયારીઓ થઇ ચુકી હતી. પરંતુ તેવામાં બંને પરિવાર વચ્ચે એક અજીબોગરીબ કારણને લઇને વિવાદ સર્જાયો અને બાદમાં આ યુવક અને યુવતીના લગ્ન તુટી ગયા.વિગતે વાત કરીએ તો સુરતના કતારગામ વિસ્તારમાં રહેતા યુવકના લગ્ન નવસારીની યુવતી સાથે થવાના હતા. પરંતુ લગ્નના એક મહિના પહેલા યુવતીની માતા અચાનક ગુમ થઇ ગઇ હતી.

પરિવારે આ અંગે પોતાની રીતે તપાસ કર્યા બાદ કોઇ પરિણામ ન મળતા અંતે આ અંગે પોલીસમાં જાણ કરી હતી. બીજી તરફ યુવકના પિતા પણ અચાનક ગુમ થઇ ગયા હતા અને તેઓના પણ કોઇ સમાચાર ન મળતા હોય તેમના પરિવારે પોલીસને આ અંગે જાણ કરી હતી.

જાણવા મળ્યા મુજબ યુવક-યુવતીના લગ્ન ફેબ્રુઆરી માસમાં થવાના હતા પરંતુ તે પહેલા વરરાજાના પિતા અને વરવધુની મા બંને અચનાક ગુમ થઇ ગયા હતા. પરિવારના જણાવ્યા અનુસાર વરરાજાના પિતા અને વરવધુની મા બંને લાંબા સમયથી એકબીજાને ઓળખતા હતા અને એવી શંકા પણ વ્યક્ત કરવામાં આવી રહી છે કે બંનેએ લગ્ન પણ કરી લીધા છે.

પારિવારીક સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર વરરાજાના પિતા અને વરવધૂની માતા બંને પહેલાથી એકબીજાને ઓળખતા હતા. અને બંને યુવાનીના સમયથી લગ્ન કરવા માંગતા હતા. પોલીસને જાણ કર્યાના 10 દિવસ થયા હોવા છતાં હજુ સુધી પોલીસને આ બંનેનું પગેરૂ મળ્યું નથી જેથી બંને પરિવારે યુવક-યુવતીના લગ્ન કેન્સલ રાખ્યા છે અને આ સબંધ પર પૂર્ણવિરામ મુક્યું છે.