લૉકડાઉનનું પાલન ન કરાવી શકનાર અધિકારીઓ સામે કડક વલણ

0
83

નવીદિલ્હી
તા : 30
ભારતમાં કોરોના વાયરસનો પ્રકોપ વધતો જઇ રહ્યો છે. દેશમાં કોરોના સંક્રમિત દર્દીઓની સંખ્યા 1000ને પાર પહોંચી ગઇ છે. તેની સામે લડવા માટે દેશભરમાં 21 દિવસ માટે લૉકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. સાથે જ દિલ્હીમાં લૉકડાઉનનું યોગ્ય રીતે પાલન ન કરાવી શકવાની અનેક ઉચ્ચ કક્ષાના અધિકારીઓએ ભારે કિંમત ચુકવવી પડી. દિલ્હી સરકારે એડિશનલ ચીફ સેક્રેટરી (ટ્રાન્સપોર્ટ) રેણુ શર્માને તત્કાલ પ્રભાવે સસ્પેન્ડ કરવામાં આવ્યાં છે. જ્યારે પ્રિન્સિપલ સેક્રેટરી સત્ય ગોપાલને કારણ દર્શાવો નોટિસ ફટકારવામાં આવી છે. આ ઉપરાંત પ્રિન્સિપલ સેક્રેટરી (ફાઇનાન્સ) રાજીવ શર્માને પણ સસ્પેન્ડ કરવામાં આવ્યાં છે. ત્યાં બીજી બાજુ સીલમપુરના એસડીએમને પણ કારણ દર્શાવો નોટિસ ફટકારવામાં આવી છે.

કોરોના વાયરસના વધતા પ્રકોપ વચ્ચે કેન્દ્ર સરકારે રાજ્ય સરકારોને લોકડાઉનનું કડકાઇથી પાલન કરાવાનો નિર્દેશ આપ્યો છે. તેના માટે કેબિનેટ સેક્રેટરી રાજ્યના પ્રમુખ સચિવો અને ડીજીપીના સંપર્કમાં છે. એક રીતે જોઇએ તો અનેક રાજ્યોમાં લોકો રસ્તા પર ઉતર્યા છે અને લોકડાઉનનું પાલન નથી કરી રહ્યાં. તેને ધ્યાનમાં લેતા સરકારે આ નિર્દેશ જારી કર્યા છે. રવિવારે દિલ્હીમાં 23 નવા કેસ નોંધાયા હતા. 23 નવા પોઝિટિવ દર્દીઓમાંથી 17 દર્દીઓ આરએમએલ હોસ્પિટલમાં દાખલ છે. આ 17 દર્દીઓમાંથી 6 દર્દીઓ અંદમાનના છે, 4 દર્દીઓ જેમની ટ્રાવેલ હિસ્ટ્રી હતી, જ્યારે 2 દર્દીઓ એવા છે જેઓ પોઝીટીવ કોરોના વાયરસથી પીડાતા વ્યક્તિના સંપર્કમાં આવ્યા હતા. તે જ સમયે, બાકીના 5 દર્દીઓ અંગે વિસ્તૃત તપાસ ચાલી રહી છે. જણાવી દઈએ કે દિલ્હીમાં કોરોના વાયરસના 72 દર્દીઓ થયા છે.