લોકડાઉન બાદ વાહનચોરીના રવાડે ચડેલા 3 યુવકો ઝડપાયા

0
37

અમદાવાદ
તા : 10
ગુજરાત રાજ્યમાં લોકડાઉન બાદ ઝડપથી પૈસા કમાવવા ત્રણ યુવકોએ શોર્ટકટ અપનાવ્યો હતો અને ચોરીના રવાડે ચડ્યા હતા. આ યુવકો શહેરના અલગ-અલગ વિસ્તારમાંથી એક્ટિવા, બાઈક અને રિક્ષાની ચોરી કરી બાદમાં સસ્તાભાવે દસ્તાવેજ વગર જ વેચી દેતા હતા. સરદારનગર પોલીસે વાહનચોરીના રવાડે ચડેલા ત્રણેય આરોપી સ્વરૂપ મેઘરંજન, મિતેષ બાબુ બારોટ અને સાગર ગોપાલાની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર વાહનચોરીના કેસમાં પકડાયેલા ત્રણેય આરોપી પહેલા સરદારનગરમાં એક મકાનમાં ભાડેથી રહેતા હતા અને ત્યારથી એકબીજાના સંપર્કમાં આવ્યા હતા. બાદમાં અલગ-અલગ વિસ્તારમાં રહેવા લાગ્યા હતા અને વાહનચોરી કરવા માટે ભેગા થતા હતા. આ આરોપીઓ ચોરી કરવા માટે પહેલા પહેલા પાર્કિંગમાં અને જાહેર સ્થળોમાં પોતાના વાહન સાથે રાખી રેકી કરતા હતા અને બાદમાં ત્યાં અન્ય કોઇ વાહનચાલક વાહન મૂકીને જાય ત્યારે તેઓ એ વાહનનું લોક તોડી ચોરી કરી ફરાર થઇ જતા હતા. છેલ્લા 6 મહિનામાં એક ડઝન જેટલા વાહનોની ચોરી કર્યાનો આરોપ તેમના પર લાગ્યો છે. ચોરી કરેલા વાહનો આરોપીઓ વગર દસ્તાવેજે સસ્તા ભાવે વેચી મારતા હતા. હાલ પોલીસે ઓરોપીઓ પાસેથી શહેરના અલગ-અલગ વિસ્તારમાંથી ચોરી કરેલા 6 એક્ટિવા અને રિક્ષા કબ્જે કર્યા છે.