વડોદરામાં 8મો પોઝિટિવ કેસ નોંધાયો, 3 શંકાસ્પદ દર્દીઓને દાખલ કરાયા….

0
141

વડોદરા,તા:26 બુધવારે શહેરમાંથી કોરોનાના વધુ એક કેસ પોઝિટિવ જાહેર થતાં શહેરમાં પોઝિટીવ જાહેર થયેલાં દર્દીઓનો કુલ આંક 8 પર પહોંચ્યો છે. મૂળે નડિયાદ અને હાલ અંકોડિયામાં રહેતાં 55 વર્ષીય નિખિલ ચુનીલાલ પટેલ યુકેથી પરત ફર્યા હતા. તેમણે કોરોનાના લક્ષણો જણાતાં ગોત્રી હોસ્પિટલમાં દાખલ કરાયાં હતા. જ્યાં તેમનો રિપોર્ટ મોડી સાંજે પોઝિટિવ આવ્યો હતો. તેમનું ડાયાલિસીસ પણ શરૂ કરાયું હતું. 3 શંકાસ્પદ દર્દી એસએસજીના આઇસો લેશન વોર્ડમાં દાખલ કરાયા હતા. આ સાથે એસએસજીમાં દાખલ પેન્ડિંગ રિપોર્ટનો આંક 4 પર પહોંચ્યો છે. જ્યારે નિઝામપુરાના બિલ્ડર સહિત તેમના કુટુંબના પાંચ કોરોના પોઝિટિવ સભ્યો સહિત 7 દર્દીઓના આરોગ્યની સ્થિતિ પર તબીબો ચાંપતી નજર રાખી રહ્યાં છે.

સિઝનલ ફ્લુમાં 130 વ્યક્તિનું સ્ક્રિનિંગ કર્યું
શંકાસ્પદ દર્દીઓમાં છાણી જકાતનાકાની ભગીરથ સોસાયટીના વિનય દશપ્રમુખ દેસાઇ (ઉવ.68), હર્ષ ભદ્રેશ પટેલ(ઉવ. 27) રહે. ઇસ્કોન હાઇટ્સ, ગોત્રી. વાઘોડિયા રોડના મનન પાર્કના ભૂપેન્દ્ર ચીમનભાઇ પટેલ(ઉવ.47)નો સમાવેશ થાય છે. આ પૈકીના હર્ષ અને ભૂપેન્દ્રભાઇને આજવા લેપ્રસી ગ્રાઉન્ડ ખાતે ક્વોરેન્ટાઇન ફેસિલિટીમાં તબિયત વધુ વકરતા એસએસજીમાં ખસેડાયા હતા. બુધવારે સિઝનલ ફ્લુમાં 130 વ્યક્તિનું સ્ક્રિનિંગ કરવામાં આવ્યું હતું.\

શહેરમાં 1300 લોકો હોમ ક્વોરેન્ટાઇન થયા
વહીવટી તંત્ર ટૂંકા ગાળામાં વિદેશથી પરત આવેલાં અથવા તો અન્ય રાજ્યોમાંથી શહેરમાં આવેલાં લોકોની ભાળ મેળવી વધુ તપાસ કરી રહ્યું છે. છેલ્લા 24 કલાકમાં પાલિકા વહીવટી તંત્ર દ્વારા 322 ટ્રાવેલર્સને હોમ ક્વોરન્ટાઇન કરાયાં હતાં. તેની સાથે શહેરમાં હોમ ક્વોરન્ટાઇન થનારાંઓની સંખ્યા 1,300 સુધી આવી પહોંચી હતી. તથા ટૂકા ગાળામાં વિદેશથી આવેલાં 46 લોકોને આજવા રોડ પર તૈયાર કરવામાં આવેલા લેપ્રસી ગ્રાઉન્ડના ક્વોરન્ટાઇન સેન્ટરમાં ખસેડવામાં આવ્યાં હતાં. આજવા રોડ પર ક્વોરન્ટાઇ કરાયેલા લોકોમાં કોરોના પોઝીટીવ કેસોના સંપર્કમાં આવેલા હોસ્પીટલ સ્ટાફ, લોબોરેટરીમાં કામ કરતા લોકોનો સમાવેશ થાય છે.