વતનમાંથી પરત ફરતા પરપ્રાંતિઓ પાસેથી પોલીસના નામે તોડ કરતી ટોળી સક્રિય

0
391

લીંબડી
તા : 29
લીંબડી નજીક આવેલી અલંકાર હોટલ પાસે મધ્યપ્રદેશના જાંબુઆથી મોરબીના ઢૂંવા આવતી તુફાન કારને અટકાવીને પોલીસના નામે તોડ કરતી ટોળકી 800 રૂપિયા ઉઘરાવીને ફરાર થઈ ગયાનો કિસ્સો સામે આવ્યો છે. મધ્યપ્રદેશના જાંબુવાથી પરપ્રાંતીય શ્રમિકો મોરબી નજીક આવેલા ઢૂંવા ગામે રોજગાર માટે આવતા હતા ત્યારે 5 મહિલા સહિત કુલ 11 શ્રમિક પ્રવાસીઓને અમદાવાદ-રાજકોટ હાઇવે પર લીંબડી નજીક અલંકાર હોટલ પાસે ગુજરાત ગવર્મેન્ટ લખેલી એક કારે અટકાવ્યા હતા. GJ 18- 1403 નંબરની આ કારમાં સવાર લોકોએ પોતાની ઓળખ પોલીસ તરીકે આપીને તુફાન કારના ચાલક પાસે 3000 રૂપિયાની માંગણી કરી હતી. જો કે ડ્રાઇવર પાસે એટલા બધા પૈસા ન હોવાથી રકજકના અંતે ગુજરાત ગવર્મેન્ટ લખેલી કારમાં આવેલા લોકો 800 રૂપિયા લઈને નાસી છૂટ્યા હતા.
આ બનાવને લઈને ઘણા સવાલો ઉઠી રહ્યા છે. અનલોક 2.0 લાગુ થવા જઈ રહ્યું છે ત્યારે વતન જતા રહેલા શ્રમિકો કામની આશાએ ગુજરાત અને સૌરાષ્ટ્રના વિવિધ વિસ્તારોમાં પરત ફરી રહ્યા છે ત્યારે પોલીસના નામે પરપ્રાંતીયો પાસેથી લૂંટ ચલાવનાર ગેંગ સક્રિય થઈ હોય તેવું જણાઈ રહ્યું છે. બહારના રાજ્યોમાંથી આવતા પ્રવાસીઓની માંગણી છે કે હાઇવે પર પોલીસ પેટ્રોલિંગ સખ્ત બનાવવામાં આવે કે જેથી કરીને રોજીરોટી કમાવવા આવતા શ્રમિકોને આવા તત્વોથી લૂંટતા બચાવી શકાય.