વન વિભાગના સર્ચ ઓપરેશન દરમિયાન વધુ એક દીપડો પાંજરે પુરાયો

0
80

ઉના,તા:13  અમરેલીના બગસરા નજીક આદમખોર દીપડાને ઠાર કરી દેવામાં જંગલ ખાતાને સફળતા મળ્યા બાદ ગુરુવારે રાત્રે ગીર સોમનાથમાંથી વધુ એક દીપડાને પકડી લેવામાં સફળતા મળી છે. વન વિભાગના સર્ચ ઓપરેશન દરમિયાન વધુ એક દીપડો પાંજરે પુરાયો છે.

વન વિભાગના સૂત્રોના જણાવ્યા મુજબ ઉનાના સીમાસી ગામની સીમ નજીક ગોઠવવામાં આવેલા ટ્રેપમાં દીપડો પુરાયો છે. વન વિભાગના 200 અધિકારીઓએ કાફલો છેલ્લા એક સપ્તાહથી ગીર, ઉના, અમરેલી અને બગસરા આસપાસના વિસ્તારોમાં મેગા સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે અને માનવભક્ષી દીપડાને પકડવામાં આવી રહ્યા છે. અગાઉ પણ અમરેલી નજીકના કાગદડી ગામની સીમમાં મુકેલા એક પાંજરામાં દીપડી પકડાઈ હોવાનું વન વિભાગના અધિકારીએ જણાવ્યું હતું. ત્યારબાદ મંગળવારે બગસરામાં સીયારામ ગૌશાળા નજીક શિકાર માટે આવેલા આદમખોર દીપડાને ઠાર કરી દેવાયો હતો.

દિપડાની વસતી નિયંત્રિત કરવા ખસીકરણ કરવાનો નિર્ણય….

ગુરુવારે ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની અધ્યક્ષતામાં સ્ટેટ વાઈલ્ડ લાઈફની બેઠક યોજાઈ હતી જેમાં ગુજરાતમાં જંગલ અને શહેરી વિસ્તારમાં દીપડાનાવધી ગયેલા ત્રાસ બાબતે ચર્ચા કરવામાં આવી હતી.ગુજરાત સરકારે દીપડાને સરળતાથી ટ્રેસ કરવા કોલર આઈડી લગાવવા તેમજ વસતી નિયંત્રિત કરવા માટે ખસીકરણ કરવાનો નિર્ણય લીધો છે. કેન્દ્ર સરકાર સાથે આ મામલે પરામર્શ કર્યા બાદ દીપડાઓનું ખસીકરણ કરવામાં આવશે.

રાજ્યમાં 2006માં દિપડાની વસ્તી 1000 જ્યારે હાલ વધીને 2500 થઇ ગઈ…..

માનવ વિસ્તાર આસપાસ દીપડાઓના આંટાફેરા થતા હોવાથી આવા માનવભક્ષી દીપડાઓને પકડીને કોલર આઈડી લગાવીને ગીચ જંગલ વિસ્તારમાં છોડવામાં આવશે. 2006માં રાજ્યમાં દીપડાની વસતી 1000 હતી જ્યારે તાજેતરમાં દીપડાની સંખ્યા વધીને 2500 થઈ ગઈ છે.