વાપીના વેપારી અપહરણ કેસમાં ક્રાઇમ બ્રાન્ચે કરી પાંચ ની ધરપકડ

0
67

અમદાવાદ
તા : 18
વાપી શહેરના વેપારીનું અપહરણ કરી ખંડણી માંગવા જનાર ગેંગની અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે હથિયાર અને ગાડી સાથે અગોરા મોલ પાસેથી ઝડપી પાડ્યા છે. પોલીસે પાંચેય શખ્સની પૂછપરછ કરતા વાપીના અલ્તાફ મન્સૂરી નામના વ્યક્તિ પાસેથી ટીપ મેળવી હતી કે કન્સ્ટ્રક્શનના વેપાર સાથે સંકળાયેલા વેપારી પાસે 50 કરોડથી વધુ રકમ છે અને તેનું અપહરણ કરી રકમ લૂંટી અને ખંડણી માંગવાનો પ્લાન હતો.

અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને બાતમી મળી હતી કે સરખેજમાં રહેતો આરીફ શેખ કેટલાક શખ્સો સાથે વાપીના એક વેપારીનું અપહરણ કરી કરોડોની ખંડણી માંગવા જઇ રહ્યો છે. જેથી રિંગ રોડ પર અગોરા મોલની પાસે વોચ ગોઠવી હતી. બાતમીવાળી બે ગાડીઓ આવતા પોલીસે રોકી હતી. બંને ગાડીમાંથી સરખેજના આરીફ શેખ, ગોળલીમડાના મહોમદ જાવેદ બાંધણી વાલા, સાબરમતી છારાનગરના રાજેશ ઉર્ફે રાજુ રાઠોડ અને વિક્કી જાડેજા, દાણીલીમડાના ફેઝાન ઉર્ફે મોલાના મેમણની ધરપકડ કરી હતી. પોલીસને એક પીસ્ટલ, જીવતા કારતુસ, છરો મળી આવ્યા હતાં.

આરોપીઓને ક્રાઇમ બ્રાન્ચ ખાતે લાવી પૂછપરછ કરતાં પૈસાની જરૂર હોવાથી વાપીના મોહમદ અલતાફ મન્સૂરીએ ટીપ આપી હતી કે, વાપીના સઈદ ભાઈ શેખ કે જે કન્સ્ટ્રક્શનનું કામ કરે છે તેમની ઓફિસમાં 50 કરોડની રકમ છે અને તેનાથી વધુ પણ રકમ હાલ પડેલી હોવાથી તેની લૂંટ કરી સઈદ ભાઈનું અપહરણ કરી મોટી ખંડણી મંગવાનું નક્કી કર્યું હતું. આ માટે અલતાફે આરોપીઓને વોટ્સએપ પર ફોટો એડ્રેસ પણ મોકલી આપ્યા હતા. આરોપીઓ વેપારીનું અપહરણ કરી ખંડણી માંગવાનો પ્લાન નિષફળ બનાવ્યો હતો.