અમદાવાદ,તા:16
હવામાન ખાતાએ આગામી પાંચ દિવસ સુધી કોલ્ડ વેવ રહેવાની આગાહી કરી છે. તેમાં પણ આગામી ૪૮ કલાક સુધી વર્તમાન તાપમાનમાં કોઈ ફેરફાર થશે નહીં. ત્યારબાદ બે થી ત્રણ ડિગ્રી તાપમાન ઉંચકાઈ શકે છે. ભેજનું પ્રમાણ સવારે ૮-૩૦ વાગ્યે ૮૩ ટકા અને સાંજે ૫-૩૦ વાગ્યે માત્ર ૩૮ ટકા નોંધાતા ચામડી ફાટી જતો હોવાનું લોકોએ અનુભવ કર્યો હતો. તીવ્ર ઠંડીના કારણે રાત્રિના તાપણાની મોસમ ખીલી છે. ખાસ કરીને સોસાયટીના સિક્યોરિટી ગાર્ડસ, પાનના ગલ્લાધારકો, રાતજગોની ટેવ ધરાવતા યુવાનો તાપણાં કરીને ઠંડી ઉડાડતા જોવા મળે છે. હવામાન ખાતાએ સાઉથ-વેસ્ટ દિશામાં સાયક્લોનિક સરક્યુલેશન મધ્ય પ્રદેશ પર છવાયું હોવાનું નોંધ્યું છે.

સમગ્ર રાજ્યમાં સૌથી વધુ ઠંડી નલિયામાં ૬ ડિગ્રી નોંધાઈ છે. જ્યારે અમદાવાદ ૯ ડિગ્રી અને પાટનગર ગાંધીનગર ૭.૭ ડિગ્રી ઠંડીમાં ધ્રુજી ઉઠયાં હતા. દરિયાકાંઠા વિસ્તારમાં સામાન્ય રીતે ઓછી ઠંડી અનુભવાઈ પણ આજે પોરબંદર, વેરાવળ, દીવમાં પણ તીવ્ર ઠંડી અનુભવાઈ હતી. હિલ સ્ટેશન માઉન્ટ આબુમાં ૫ ડિગ્રી ઠંડી નોંધાઈ હતી.

ઉત્તરાયણ પહેલાં આકાશ વાદળ આચ્છાદિત બન્યું હતું. જો કે હવામાન ખાતાએ જાહેર કર્યું હતું કે ઉત્તરાયણના દિવસે વાદળો હટી જશે અને કડકડતી ઠંડીનો દોર ચાલુ થશે તે મુજબ થયું છે. ઉત્તરાયણથી ઠંડી શરૂ થઈ હતી અને લઘુતમ તાપમાન ગગડતું જતું હતું. આજે અમદાવાદનું તાપમાન ઘટીને ૯ ડિગ્રી થતાં લોકો ધ્રુજી ઉઠયાં હતા. મહત્તમ તાપમાન પણ માત્ર ૨૫.૩ ડિગ્રી રહેતા સૂર્યપ્રકાશમાં રહેવાનું લોકોએ પસંદ કર્યું હતું. આખો દિવસ ઠંડકના કારણે લોકોને ગરમ કપડાંમાં લપેટાયેલા રહેવાની ફરજ પડી હતી. ટુ વ્હીલરચાલકોએ હેલ્મેટની સાથે સાથે કાન અને મોં વાટે ઠંડી પ્રવેશે નહીં તે માટે મફલર અને રૂમાલ વીંટાળ્યા હતા. પાટનગર ગાંધીનગરમાં ૭.૭ ડિગ્રી ઠંડીના કારણે લોકોએ કામ સિવાય બહાર જવાનું ટાળ્યું હતું.

સમગ્ર રાજ્યમાં ઉત્તર દિશાના હિમકણયુક્ત પવન ફરી વળતા કડકડતી ઠંડીનો લોકોએ અનુભવ કર્યો છે. સમગ્ર ગુજરાત માં આગામી પાંચ દિવસ સુધી કોલ્ડ વેવ રહેવાની આગાહી હવામાન ખાતાએ કરી છે. ખાસ કરીને સૌરાષ્ટ્ર-કચ્છ અને ઉત્તર ગુજરાતમાં આકરી ઠંડી પડવાની આગાહી હવામાન ખાતાએ કરી છે. પોષ માસના કૃષ્ણ પક્ષના પાંચ દિવસ વિત્યા છે હજુ અમાસને સમય બાકી છે ત્યાં સુધી લોકોએ આકરી ઠંડીનો સામનો કરવો પડશે.

કોલ્ડ વેવ ક્યા દિવસે, ક્યાં રહેશે

દિવસ-૧-રાજકોટ, પોરબંદર, કચ્છ
દિવસ-૨-રાજકોટ, પોરબંદર, કચ્છ
દિવસ-૩-રાજકોટ, પોરબંદર, કચ્છ
દિવસ-૪-રાજકોટ, પોરબંદર, અમરેલી, ભાવનગર, કચ્છ, બનાસકાંઠા
દિવસ-૫-રાજકોટ, પોરબંદર, અમરેલી, ભાવનગર, કચ્છ, બનાસકાંઠા