સુરત:મોરા ગામના મેળામાં ચકડોળની બેરિંગ તૂટતા અફરા-તફરી મચી,50થી વધુ લોકો ફસાયા…

0
295

સુરત,તા:26 મોરા ગામના મેળામાં ચકડોળની બેરિંગ તૂટતા અફરા-તફરી મચી ગઈ. જેમાં ચકડોળમાં બેસેલા 50થી વધુ લોકો ફસાયા છે. આ ઘટનાની જાણ થતા જ ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચી છે. આ ઉપરાંત ખાનગી કંપનીની પણ એક ટીમ ઘટનાસ્થળે પહોંચી છે. હાલ ફાયરની ટીમે બચાવ કામગીરી હાથ ધરી છે. જેમાં સાત જેટલા લોકોને બચાવી લેવાયા છે. જ્યારે અન્ય લોકોને બચાવવાની કામગીરી ચાલુ છે. ઉલ્લેખનીય છે કે, આ ઘટનામાં કોઇ જાનહાનિ થઈ નથી.

મોરાગામમાં તીર્થ મેળામાં ૭૦-૮૦ ફૂટ ઊંચી મહાકાય ચગડોળ અચાનક બંધ પડી ગઇ હતી. ચગડોળ અચાનક બંધી પડી જતાં ૫૦થી વધુ લોકોના જીવ તાળવે ચોંટી ગયા હતા. આ અંગેની જાણ ફાયરને થતાં તેઓએ બે હાઇડ્રોલિક પ્લેટફોર્મ વડે લોકોને સહીસલામત બહાર કાઢયા હતા.

મોરાગામ રિલાયન્સ કંપનીના ગેટ નં. ૪ની સામે તીર્થ મેળો ભરાયો હતો. બુધવારે નાતાલની રજા હોવાથી મોટી સંખ્યામાં લોકો મેળામાં આવ્યા હતા. મેળામાં સાંજે ૭૦થી ૮૦ ફૂટ ઊંચી ચગડોળ અચાનક બંધ થઇ ગઇ હતી. તેથી ૫૦ કરતાં વધુ લોકો ચગડોળમાં ફસાઇ ગયા હતાં.

ફસાયેલા સ્ત્રી, પુરુષ અને બાળકોએ હોબાળો અને ચિચિયારી કરતા મોટી સંખ્યામાં લોકો ચગડોળ પાસે અકત્ર થઇ ગયા હતાં. ચગડોળમાં ફસાયેલા લોકોને સહીસલામત બહાર કાઢવા માટે ફાયરને કોલ કરવામાં આવ્યો હતો. ચગડોળમાં લોકો ફસાયાનો કોલ મળતા તાત્કાલિક ફાયરનો કાફલો ઘટનાસ્થળે ધસી ગયો હતો.

ફાયરે બે હાઇડ્રોલિક પ્લેટફોર્મ વડે ચગડોળમાં ફસાયેલા લોકોને સહીસલામત બહાર કાઢવાની કામગીરી શરૂ કરી હતી. હજીરા પોલીસે આયોજકો વિરુદ્ધ કાર્યવાહી કરવાની તજવીજ હાથ ધરી હતી.

ચગડોળની મેઇન એક્સલનું બેરિંગ અચાનક તૂટી ગયું હોવાથી તે જામ થઇ ગયું હોવાની પ્રાથમિક જાણકારી મળી હતી. તેથી, આયોજકો ચગડોળનું નિયમિત મેન્ટેનન્સ ન કરાતું હોવાનો લોકોએ આરોપ લગાવ્યો હતો.