સુશાંત સિંહ આત્મહત્યા કેસમાં બોલીવૂડના 8 દિગ્ગજો સામે FIR

0
124

મુંબઈ
તા : 17
સુશાંત સિંહ રાજપૂતે રવિવારે તેના મુંબઈના બાન્દ્રા સ્થિત ઘરે ગળેફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી હતી. ત્યારબાદ ઇન્ડસ્ટ્રીમાં નેપોટિઝમ એટલે કે સગાંવાદને લઈને લોકો પોતાનો ગુસ્સો ઠાલવી રહ્યા છે. લોકો અમુક સેલેબ્સને આવા કેમ્પ ચલાવવા બદલ ટાર્ગેટ કરી રહ્યા છે. હવે બિહારના મુઝફ્ફરપુરની કોર્ટમાં કરણ જોહર, સંજય લીલા ભણસાલી, સલમાન ખાન અને એકતા કપૂર સહિત આઠ લોકો વિરુદ્ધ સુશાંત સિંહની આત્મહત્યાના મામલે કેસ ફાઈલ થયો છે. સુધીર કુમાર ઓઝા નામના વકીલે આ કેસ ફાઈલ કર્યો છે. તેમણે કહ્યું કે, મેં કરણ જોહર, સંજય લીલા ભણસાલી, સલમાન ખાન અને એકતા કપૂર સહિત આઠ લોકો વિરુદ્ધ સુશાંત સિંહ રાજપૂતની આત્મહત્યા સાથેના કનેક્શનમાં IPCની સેક્શન 306, 109, 504 અને 506 હેઠળ કેસ ફાઈલ કર્યો છે. આ ફરિયાદમાં તેમણે એવું કહ્યું છે કે, સુશાંતને સાત ફિલ્મ્સમાંથી કાઢી નાખવામાં આવ્યો હતો અને તેની અમુક ફિલ્મ્સ રિલીઝ કરવામાં આવી ન હતી. તે આવું અંતિમ પગલું ભરે તે માટે આવી સ્થિતિ ક્રિએટ કરવામાં આવી હતી.

અગાઉ કોંગ્રેસના નેતા સંજય નિરુપમે પણ ચોંકાવનારો ખુલાસો કર્યો હતો કે સુશાંતે સાઈન કરેલી સાત ફિલ્મ્સ તેના હાથમાંથી જતી રહી હતી. તેમણે લખ્યું કે, ‘છિછોરે હિટ ગયા બાદ સુશાંત સિંહ રાજપૂતે સાત ફિલ્મો સાઈન કરી હતી. છ જ મહિનામાં તેના હાથમાંથી તે તમામ ફિલ્મો જતી રહી, શું કામ? ફિલ્મ ઇન્ડસ્ટ્રીની નિષ્ઠુરતા એક અલગ જ લેવલ પર કામ કરે છે અને તે નિષ્ઠુરતાએ એક ટેલેન્ટેડ વ્યક્તિનો જીવ લઇ લીધો. સગાંવાદને લઈને ઘણા એક્ટર્સે ઇન્ડસ્ટ્રી પર આકરા પ્રહાર કર્યા છે. આઉટસાઈડર માટે ઇન્ડસ્ટ્રીમાં કેટલી સ્ટ્રગલ છે તે વિશે કહ્યું છે. સુશાંતની આત્મહત્યા બાદ કંગના રનૌત, ડિરેક્ટર અભિનવ કશ્યપ, પ્રકાશ રાજ, શેખર કપૂર, અનુભવ સિન્હા, રવીના ટંડન સહિત ઘણા સેલેબ્સે ઇન્ડસ્ટ્રીમાં ચાલી રહેલાં કેમ્પિંગ પર આકરા પ્રહાર કર્યા હતા.