નવ‍ી દિલ્હી : અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ (US President Donald Trump) ભારત પ્રવાસ માટે ખૂબ ઉત્સાહિત છે. તેમનો ઉત્સાહ એમના નિવેદનોથી સ્પષ્ટ જાણી શકાય છે. અમેરિકાના કોલરાડોમાં એક જાહેરસભાને સંબોધિત કરતાં અમેરિકાના રાષ્ટ્રપ્રમુખે કહ્યું કે, મેં સાંભળ્યું છે કે ત્યાં (અમદાવાદમાં) 10 મિલિયન (1 કરોડ) લોકો સ્ટેડિયમ સુધી સ્વાગત માટે ઊભા હશે…આ સંખ્યા લગભગ 6થી 10 મિલિયન સુધી હોઈ શકે છે. ટ્રમ્પે આ ઉપરાંત ફરી એકવાર કહ્યું કે ભારત સાથે વ્યાપારિક સંબંધો સારા નથી અને દુનિયામાં સૌથી વધુ ટેરિફ ભારતનો છે.

ટ્રમ્પે કહ્યું કે, ત્યાં એટલી ભીડ આવશે જાણે કે હવે હું બીટલ્સ જેવો લોકપ્રિય થઈ ગયો છું. આટલી ભીડથી તો સ્ટેડિયમ પણ ફુલ થઈ જશે અને લોકોને બહાર ઊભા રહેવું પડશે. નોંધનીય છે કે આ પહેલા ડોનાલ્ડ ટ્રમ્પે ભીડને લઈ અલગ-અલગ દાવા કરી ચૂક્યા છે. એક નિવેદનમાં તેઓએ 5 મિલિયન (50 લાખ) ભીડ એકત્ર થવાની વાત કહી હતી. તો ગુરુવારે આપેલા પોતાના નિવેદનમાં ભીડનો આંકડો 7 મિલિયન (70 લાખ) રહેશે તેવો દાવો કર્યો હતો.

‘દુનિયામાં સૌથી વધુ ટેરિફ ભારતનો છે’

આ દરમિયાન ટ્રમ્પનો એક વીડિયો સામે આવ્યો છે જેમાં તેઓએ કહ્યું કે, હું આવતા સપ્તાહે ભારત જઈ રહ્યો છું અને અમે વેપાર પર વાત કરીશું. અમારી પર છેલ્લા એક વર્ષોથી અસર પડી રહી છે. હું હકિકતમાં પીએમ મોદીને ખૂબ પસંદ કરું છું પરંતુ અમારે થોડી બિઝનેસ પર વાત કરવાની જરૂર છે. દુનિયામાં સૌથી વધુ ટેરિફ ભારતનો છે.

‘ભારતે સારો વ્યવહાર નથી કર્યો’ટ્રમ્પે પોતાની જાહેરસભામાં ટેરિફના મામલે ભારતની આકરી ટીકા કરી. ટ્રમ્પે કહ્યું કે હું ભારત જઈ રહ્યો છું અને હું ટ્રેડની વાત કરીશ. ભારતે અનેક વર્ષ સુધી આપણી પર વધુ ટેરિફ લગાવ્યો, પરંતુ હું વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi)ને ઘણો પસંદ કરું છું. આશા છે કે હવે તેઓ આપણી પર વધુ ટેરિફ નહીં લગાવે.