15 દિવસમાં દરેક પ્રવાસી શ્રમિકને ઘરે પહોંચાડવામા આવે : સુપ્રીમ કોર્ટ

0
47

નવીદિલ્હી
તા : 05
પ્રવાસી મજૂરોના મામલે આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થઇ હતી. સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે અમે દરેક પ્રવાસીઓને ઘરે પહોંચાડવા માટે 15 દિવસનો સમય આપીશું. દરેક રાજ્યોને રેકોર્ડ પર લાવવાનું છે કે તેઓ કેવી રીતે રોજગાર અને અન્ય પ્રકારની રાહત આપશે. પ્રવાસીઓનું રજીસ્ટ્રેશન પણ થવું જોઇએ. સુનાવણી દરમિયાન સોલિસિટર જનરલ તુષાર મહેતાએ કહ્યું કે અત્યારે લગભગ 1 કરોડ મજૂરોને ઘરે પહોંચાડવામા આવ્યા છે. રોડ દ્વારા 41 લાખ અને ટ્રેનથી 57 લાખ પ્રવાસીઓને ઘરે પહોંચાડ્યા છે. બેન્ચ સામે આંકડા રાખતા તુષાર મહેતાએ કહ્યું કે મોટાભાગની ટ્રેન ઉત્તરપ્રદેશ અને બિહાર માટે ચલાવવામા આવી હતી.

સોલિસિટર જનરલ તુષાર મહેતાએ કહ્યું કે અત્યાર સુધી 4270 શ્રમિક ટ્રેનોનું સંચાલન થયું છે. અમે રાજ્ય સરકારોના સંપર્કમા છીએ. માત્ર રાજ્ય સરકાર જ હવે કોર્ટને જણાવી શકે છે કે કેટલા પ્રવાસીઓને હજુ ઘરે પહોંચાડવાના છે અને કેટલી ટ્રેનોની જરૂરિયાત રહેશે. રાજ્યોએ એક ચાર્ટ તૈયાર કર્યો છે કારણ કે આવુ કરવા માટે તેઓ સારી સ્થિતિમા હતા. ચાર્ટ જોયા બાદ સુપ્રીમ કોર્ટે કહ્યું કે તમારા ચાર્ટ પ્રમાણે મહારાષ્ટ્રે માત્ર એક ટ્રેન માટે કહ્યું છે. તેના જવાબમાં સોલિસિટર જનરલ તુષાર મહેતાએ કહ્યું કે મહારાષ્ટ્રથી અમે પહેલાજ 802 ટ્રેન ચલાવી છે. હવે માત્ર એક જ ટ્રેન માટે અરજી છે. પછી બેન્ચે પૂછ્યું કે શું તેનો અર્થ અમને એ કાઢવો જોઇએ કે હવે કોઇ વ્યક્તિ મહારાષ્ટ્ર નહીં જાય ?

સોલિસિટર જનરલ તુષાર મહેતાએ કહ્યું કે જો કોઇ રાજ્ય કોઇ પણ સંખ્યામાં ટ્રેન માટે માંગણી કરે તો કેન્દ્ર સરકાર 24 કલાકની અંદર મદદ કરશે. તેના પર સુપ્રીમ કોર્ટે કહ્યું કે અમે દરેક રાજ્યોને તેમની માંગ રેલવેને સોંપવા માટે કહીશું. તમારા કહ્યા પ્રમાણે મહારાષ્ટ્ર અને બિહારમાં વધારે ટ્રેનની જરૂરિયાત નથી ? સુપ્રીમ કોર્ટે કહ્યું કે અમે 15 દિવસનો સમય આપીએ છીએ જેથી રાજ્યોના પ્રવાસી શ્રમિકોના પરિવહનને પૂર્ણ કરવાની મંજૂરી મળી શકે. આ પહેલા રાષ્ટ્રીય માનવાધિકાર આયોગે આ મામલે તેમનો પક્ષ રાખવાની મંજૂરી માગી છે. તેમનું કહેવું છે કે અમે નથી ઇચ્છતા કે શ્રમિકોના અધિકારોનું ઉલ્લંઘન થાય.