વોશિંગ્ટન,તા:18 16 વર્ષ બાદ પાકિસ્તાનની પરમાણુ તસ્કરી અને પ્રોલિફરેશન કૌભાંડ ફરી પકડાયું તે વખતે પાક.ના વિજ્ઞાની એ.ક્યુ. ખાનનો હાથ હોવાનું બહાર આવ્યું હતું. તેમણે ડચ કંપની રેન્કોનું સેન્ટ્રીફ્ચૂઝ ચોરી કરી લીધું હતું. જેના બળે જ પાકિસ્તાને 1980માં પરમાણુ બોમ્બ બનાવ્યુ હતું. એટલું જ નહીં પાકિસ્તાને આ ટેક્નોલોજી ઉત્તર કોરિયા અને ચીનને પણ વેચી હતી. ખાને લીબિયા અને ઇરાનને પણ મદદ કરી હતી. ત્યારે ખાને કહ્યું હતું કે પાકિસ્તાની સેના તેના આ કૃત્યથી વાકેફ હતી અને તેનો સાથ આપી રહી હતી.આ નિવેદન બાદ અમેરિકાના આક્રોશથી બચવા તત્કાલીન પાક. પ્રમુખ મુશર્રફે ખાન પર શિકંજો મજબૂત કર્યો હતો.

અમેરિકી કાયદા વિભાગે પાંચ વેપારી પર આરોપ મૂક્યો છે કે તેઓ પાકિસ્તાનના પરમાણુ અને મિસાઇલ કાર્યક્રમને મદદ પહોંચાડવા માટે અમેરિકી સામાનની દાણચોરી કરી રહ્યા હતા. આ લોકો એક આંતરરાષ્ટ્રીય નેટવર્ક દ્વ્રારા અમેરિકી સામાનને મંજૂરી વિના પાકિસ્તાન મોકલી રહ્યા હતા, જેનો ઉપયોગ પરમાણુ કાર્યક્રમમાં કરવામાં આવે છે. અમેરિકી કાયદા વિભાગે બુધવારે નિવેદન બહાર પાડી આ માહિતી આપી હતી કે પાંચ લોકોએ લાઈસન્સ લીધા વિના પાકિસ્તાનના એડવાન્સ્ડ એન્જિનિયરિંગ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન (એઆરઓ) અને પાકિસ્તાન એટમિક એનર્જી કમિશન (પીએઇસી)ને અમેરિકી સામાન પહોંચાડ્યો. તે અમેરિકાના ફેડરલ કાયદાનું ઉલ્લંઘન છે.

આ પાંચેય આરોપીઓ પર પાકિસ્તાનના રાવલપિંડીમાં ‘બિઝનેસ વર્લ્ડ’ નામની કંપની ચલાવવાનો આરોપ છે. તેમની ઓળખ મોહમ્મદ કામરાન વલી, કેનેડાના અહેસાન વલી, હાજી વલી શેખ, હોંગકોંગના અશરફ ખાન અને ઇંગ્લેન્ડના અહેમદ વહીદ તરીકે થઇ છે.પાંચ લોકોને ઇન્ટરનેશનલ ઇમરજન્સી ઇકોનોમિક પાવર એક્ટ અને એક્સપોર્ટ કન્ટ્રોલ રિફોર્મ એક્ટના ઉલ્લંઘનના આરોપી બનાવાયા છે. હોમલેન્ડ સિક્યોરિટી વિભાગના સ્પેશિયલ એજન્ટ જેસન મોલિનાએ જણાવ્યું કે આ પાંચેયની ગતિવિધિ અમેરિકી નિકાસ કાયદાના ઉલ્લંઘનથી પણ વધુ છે.