અમેરિકાએ કાશ્મીર મુદ્દે પાકિસ્તાનને આપ્યો મોટો ઝટકો

0
18

વોશિંગ્ટન
તા : 12
દાદાગીરી કરતા ચીનને જોરદાર ફટકાબાજી કર્યા બાદ હવે અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડેને પાકિસ્તાનને બરાબરનો આંચકો આપ્યો છે. બાઈડેને સ્પષ્ટ કર્યું છે કે કાશ્મીર અંગે તેમની નીતિમાં કોઈ ફેરફાર નહીં આવે. પાકિસ્તાન એવી આશા રાખીને બેઠું હતું કે અમેરિકામાં સત્તા પરિવર્તન આવ્યા બાદ જમ્મુ અને કાશ્મીર અંગે અમેરિકાની નીતિમાં તેમના મુજબ ફેરફાર આવશે કારણ કે બાઈડેનના પાકિસ્તાન સાથે સારા સંબંધ રહ્યા છે. પરંતુ અમેરિકી રાષ્ટ્રપતિએ એક જ ઝટકે પાકિસ્તાનની આશાઓ વેરવિખેર કરી નાખી છે.

અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડેન પ્રશાસન તરફથી કહેવામાં આવ્યું કે તેમની જમ્મુ અને કાશ્મીર અંગેની નીતિમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. આ સાથે જ અમેરિકાએ કાશ્મીર ખીણમાં 4જી મોબાઈલ ઈન્ટરનેટ સેવા બહાલ કરવાનું સ્વાગત કર્યું છે. અમેરિકી વિદેશ મંત્રાલયના પ્રવક્તા નેડ પ્રાઈસ (Ned Price) એ પત્રકારો સાથે વાતચીતમાં કહ્યું કે હું સ્પષ્ટ કરવા માંગુ છું કે જમ્મુ કાશ્મીરને લઈને અમેરિકાની નીતિમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. આ અગાઉ અમેરિકી વિદેશ મંત્રાલયના દક્ષિણ અને મધ્ય એશિયા બ્યૂરોએ ટ્વીટ કરીને જમ્મુ કાશ્મીરમાં 4G ઈન્ટરનેટ સુવિધા બહાલ કરવાનું સ્વાગત કર્યું છે. ટ્વીટમાં કહેવાયું છે કે ભારતના જમ્મુ અને કાશ્મીરમાં 4G ઈન્ટરનેટ સુવિધા બહાલ કરવાનું અમે સ્વાગત કરીએ છીએ. તે સ્થાનિકો માટે એક મહત્વપૂર્ણ પગલું છે અને અમે રાજ્યમાં સામાન્ય સ્થિતિ બહાલ કરવા માટે રાજનીતિક અને આર્થિક પ્રગતિ ચાલુ રાખવા માટે આશાવાન છીએ.

સમગ્ર જમ્મુ અને કાશ્મીરમાં પાંચ ફેબ્રુઆરીથી 4G મોબાઈલ ઈન્ટરનેટ સેવા પુન: બહાલ કરવામાં આવી છે. ઓગસ્ટ 2019 માં કેન્દ્ર સરકારે જમ્મુ કાશ્મીરનો વિશેષ રાજ્ય દરજ્જો હટાવીને કેન્દ્રશાસિત પ્રદેશ બનાવવામાં આવ્યો હતો. ત્યારબાદ સુરક્ષાને ધ્યાનમાં રાખતા 4જી ઈન્ટરનેટ સેવા બંધ કરી દેવાઈ હતી. રાજ્યમાં ઈન્ટરનેટની સ્પીડ ઓછી હોવાના કારણે લોકોને અનેક પ્રકારની સમસ્યાઓનો સામનો કરવો પડતો હતો. જો કે આ પગલાએ આતંકી નેટવર્કને નબળું કરવામાં ખુબ મોટી ભૂમિકા ભજવી.