બંગાળમાં પણ બનાવીશું એન્ટી રોમિયો સ્ક્વોડ: યોગી આદિત્યનાથ

0
112

કોલકાતા
તા : 08
ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે હુગલી જિલ્લાના કૃષ્ણરામપુર ખાતેના સંબોધનમાં બંગાળમાં પણ એન્ટી રોમિયો સ્ક્વોડ બનાવીને ટીએમસીના ગુંડાઓને જેલમાં પુરવામાં આવશે તેમ કહ્યું હતું. યોગી આદિત્યનાથે બંગાળમાં ભાજપની સરકાર બની રહી છે તેવો દાવો કર્યો હતો અને બીજી મે બાદ મમતા દીદી જય શ્રી રામ બોલવાનું શરૂ કરી દેશે તેમ જણાવ્યું હતું. તેમના કહેવા પ્રમાણે બંગાળમાં ભાજપની સરકાર બન્યા બાદ ટીએમસીના ગુંડાઓનો હિસાબ થશે.

યોગી આદિત્યનાથે કહ્યું કે, જે રીતે બંગાળમાં ભાજપની લહેર ચાલી રહી છે તેનાથી દીદીના સૂપડા સાફ થઈ ચુક્યા છે તે સ્પષ્ટ છે. હવે ફક્ત બીજી મેની રાહ જોવાની છે. બંગાળમાં ભાજપની સરકાર બનશે તો કટ મનીની પ્રથા બંધ કરીને સોનાર બાંગ્લા બનાવવાનું અભિયાન હાથ ધરવામાં આવશે. ભાજપનો માત્ર એક જ ધ્યેય છે અને તે છે બંગાળના લોકોને સુશાસન આપવું.

યોગી આદિત્યનાથે કહ્યું કે, રામ વગર અમારૂ કોઈ કામ નથી થતું. મમતા દીદી એમ કહે છે કે, મને જય શ્રી રામ સાંભળવું નથી ગમતું. પરંતુ ચૂંટણીએ દીદીને ચંડીપાઠ કરવા મજબૂર કરી દીધા છે. ભાજપની લહેર જોયા બાદ દીદીમાં પરિવર્તન આવ્યું છે. તેમને ખબર પડી ગઈ છે કે, હવે હિંદુઓને નજરઅંદાજ ન કરી શકાય. એટલે જ તેઓ ચંડીપાઠ કરી રહ્યા છે. જ્યારે પહેલા તો દુર્ગાપૂજાના વિસર્જનની પણ મંજૂરી નહોતી અપાતી. બીજી બાજુ મુસ્લિમોને તમામ પ્રકારની આઝાદી હતી.