તીરંદાજી વર્લ્ડ કપમાં દીપિકા કુમારીએ રચ્યો ઈતિહાસ

0
132

નવી દિલ્હી
તા : 28
ભારતની સ્ટાર મહિલા તીરંદાજ દીપિકા કુમારીએ પેરિસ ખાતે ચાલી રહેલા તીરંદાજી વર્લ્ડ કપમાં ઈતિહાસ રચ્યો છે. વર્લ્ડ કપ સ્ટેજ 3માં રિકર્વ વ્યક્તિગત સ્પર્ધા 6-0થી જીતીને સુવર્ણ પદકની પોતાની હેટ્રિક પૂરી કરી છે. આ વિજય સાથે જ દીપિકા કુમારી વિશ્વની નંબર-1 મહિલા તીરંદાજ બની ગઈ છે.

વિશ્વ તીરંદાજી દ્વારા સોમવારે નવું રેન્કિંગ જાહેર કરવામાં આવ્યું હતું જેમાં દીપિકાને પહેલું સ્થાન મળ્યું છે. કુમારીએ બીજી વખત તીરંદાજીમાં આ ઉપલબ્ધિ હાંસલ કરી છે. રાંચી સાથે જોડાયેલી 27 વર્ષીય દીપિકા કુમારીએ 2012માં પહેલી વખત તીરંદાજીમાં ટોચનું સ્થાન મેળવ્યું હતું. રવિવારે દીપિકાએ વ્યક્તિગત અને મિશ્રિત સ્પર્ધામાં ગોલ્ડ મેડલ પોતાના નામે કર્યો હતો.

સોમવારે વર્લ્ડ આર્ચરી તરફથી સત્તાવાર ટ્વીટ કરવામાં આવી હતી જેમાં લખ્યું હતું કે, દીપિકા કુમારીએ વિશ્વ તીરંદાજીમાં પહેલી રેન્ક હાંસલ કરી છે. દીપિકા કુમારીએ પહેલા અંકિતા ભકત અને કોમાલિકા બારી સાથે મહિલા રિકર્વ ટીમ સ્પર્ધામાં મેક્સિકોને સરળતાથી હરાવીને સુવર્ણ પદક જીત્યો હતો.

ત્યાર બાદ તેમણે પોતાના પતિ અતાનૂ દાસ સાથે 0-2થી પાછળ રહ્યા બાદ નેધરલેન્ડના સેફ વાન ડેન અને ગૈબ્રિએલાની જોડીને 5-3ના અંતરથી હરાવીને ગોલ્ડ મેડલ પર નિશાન સાધ્યું હતું. ત્યાર બાદ રાંચીની રાજકુમારીએ રશિયાની 17મી રેન્ક પ્રાપ્ત એલિના ઓસીપોવાને 6-0ના અંતરથી હરાવીને સુવર્ણ પદક જીત્યો હતો.