અયોધ્યાની જેમ મથુરાનો વિવાદ છેડી સંઘ હિંસા ભડકાવશે: ઓવૈસી

0
13

નવી દિલ્હી
તા : 17
મથુરામાં શ્રીકૃષ્ણ જન્મભૂમિ વિવાદ પર મામલો કોર્ટમાં પહોંચ્યો છે અને તેની આગામી સુનાવણી 18 નવેમ્બરે થવાની છે.આ પિટિશનમાં પણ કૃષ્ણ ભગવાનના મંદિરને અડીને આવેલી મસ્જિદ ખસેડવા માટે માંગ કરવામાં આવી છે. AIMIMના ચીફ અસદુદ્દીન ઓવૈસીએ કહ્યુ છે કે, આ મામલે પણ આરએસએસ હિંસક વલણ અપનાવશે.ઓવૈસીએ સોશ્યલ મીડિયા પર કહ્યુ હતુ કે, જે વાતનો ડર હતો તે જ થઈ રહ્યુ છે.બાબરી મસ્જિદ પર જે નિર્ણય આવ્યો છે તેના કારણે સંઘ પરિવારના લોકોના ઈરાદા વધારે મજબૂત થયા છે.યાદ રાખજો , જો તમે અને હું હજી પણ ઉંઘતા રહીશું તો કેટલાક વર્ષો બાદ મથુરા માટે પણ સંઘ દ્વારા હિંસક ઝુંબેશ શરુ કરવામાં આવશે અને કોંગ્રેસ પણ આ ઝુંબેશમાં હિસ્સો બનશે.

આ પહેલા ઓવૈસીએ આ પિટિશન પર સવાલ ઉઠાવી ચુક્યા છે. તેમણે તે વખતે કહ્યુ હતુ કે, વિવાદને ફરી જીવતો કરવાની જરુર નથી.1991માં બનેલા કાયદા પ્રમાણે કોઈ પણ પૂજા સ્થળની જે હાલની સ્થિતિ છે તેમાં બદલાવ કરવાની મનાઈ છે.શાહી ઈદગાહ ટ્રસ્ટ અને શ્રીકૃષ્ણ જન્મસ્થાન સેવા સંઘે આ વિવાદ 1968માં જ ઉકેલી કાઢ્યો હતો.હવે તેને ફરી કેમ છેડવામાં આવી રહ્યો છે. ઉલ્લેખનીય છે કે, નવેમ્બર મહિનામાં રામ જન્મભૂમિ પર સુપ્રીમ કોર્ટે ચુકાદો આપીને વિવાદિત સ્થળ પર મંદિર નિર્માણ માટે છુટ આપી હતી.એ પછી મથુરામાં કૃષ્ણ મંદિર અને વારાણસીમાં કાશી વિશ્વનાથ મંદિર સાથે જોડાયેલી મસ્જિદો હટાવવાની માંગણી પણ શરુ થઈ ગઈ છે.