અયોધ્યાના કલવાર મંદિરમાં ગોળીબાર, એક વ્યક્તિ ઘાયલ

0
60

અયોધ્યા
તા : 06
અયોધ્યામાં કલવાર મંદિરમાં ઘૂસીને રાજેશ નિષાદ નામના એક વ્યક્તિને ગોળી મારી દેવામાં આવી છે. રાજેશ નિષાદની છાતીમાં ત્રણ ગોળીઓ મારવામાં આવી છે. તેને ગંભીર હાલતમાં જિલ્લા હૉસ્પિટલ મોકલવામાં આવ્યો, જ્યાંથી તેને લખનઉ રેફર કરી દેવામાં આવ્યો. અયોધ્યાના એસએસપી દીપક કુમારનું કહેવું છે કે કલવાર મંદિરની સામે જ મોટરસાઇકલ સવાર ત્રણ યુવક આવ્યા અને અંદરોઅંદર વિવાદ બાદ તેઓએ રાજેશ નિષાદને ગોળી મારી દીધી. તેમાંથી એક આરોપી પંકજની ધરપકડ કરી લેવામાં આવી છે. બીજી તરફ અન્ય ત્રણ આરોપી હજુ પોલીસની પકડથી દૂર છે.

મુખ્ય આરોપી મોહિત તિવારી અને નવીન પાંડે ચિંટૂ હજુ ફરાર છે.નોંધનીય છે કે, રાજેશ નિષાદ ઉપર પણ અનેક કેસ ચાલી રહ્યા હતા અને તે અયોધ્યામાં હિસ્ટ્રીશીટર માનવામાં આવે છે. કલવાર મંદિર ઉપર પણ તેનો જ કબજો હતો અને તેને લઈને વિવાદ ચાલી રહ્યો હતો.

શનિવારે લગભગ 8 વાગ્યાની આસપાસ જ્યારે રાજેશ કલવાર મંદિરની છત પર બેઠો હતો ત્યારે તે સમયે મોટરસાઇકલ સવાર ત્રણ યુવક ત્યાં પહોંચ્યા, જેમની સાથે રાજેશની થોડીવાર સુધી વાતચીત થતી રહી. આ વાતચીત દરમિયાન અંદરોઅંદર ઝઘડો વધી ગયો. ત્યારબાદ મોટરસાઇકલ સવાર ત્રણેય યુવકોએ રાજેશી છાતીમાં એક પછી એક ત્રણ ગોળીઓ મારી દીધી. ત્યારબાદ તેને તાત્કાલિક શ્રીરામ હૉસ્પિટલ લઈ જવામાં આવ્યો, જ્યાંથી તેને લખનઉ ટ્રોમા સેન્ટર રેફર કરવામાં આવ્યો છે.