બંગાળ બીજેપીના અધ્યક્ષ દિલીપ ઘોષના કાફલા પર હુમલો

0
47

કોલકાતા
તા : 12
પશ્ચિમ બંગાળના ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ દિલીપ ઘોષના કાફલા પર હુમલો થયો છે. દિલીપ ઘોષની આ કાર પર ત્યારે હુમલો થયો જ્યારે તે અલીપુરદ્વારથી પસાર થઈ રહ્યા હતા. જાણકારી પ્રમાણે દિલીપ ઘોષ અલીપુરદ્વારથી પસાર થઈ રહ્યા હતા ત્યારે તેમના કાફલા પર કેટલાક ઉપદ્વવીઓએ પત્થર ફેંક્યા હતા. આ દરમિયાન ઘોષની કાર ક્ષતિગ્રસ્ત થઈ હતી.

બીજેપીએ આ મામલે ગોરખા જનમુક્તિ મોરચાના (જેજીએમએમ) વિમલ ગુરુંગ જૂથ પર શંકા વ્યક્ત કરી છે. એમ કહેવામાં આવી રહ્યું છે કે જે રસ્તેથી દિલીપ ઘોષ પાછા ફરી રહ્યા હતા તે સ્થળ પર જ વિમલ ગુરુંગ જૂથના કાર્યકર્તા પ્રદર્શન કરી રહ્યા હતા. જીજેએમએમના કાર્યકર્તાઓએ બંગાળ બીજેપી પ્રદેશ અધ્યક્ષને કાળા ઝંડા પણ બતાવ્યા હતા. જીજેએમએમના પ્રદર્શનની કોઈ અસર ન થતા કાર્યકર્તા ગુસ્સે ભરાયા હતા અને ઘોષના કાફલા પર હુમલો કર્યો હતો.

પશ્ચિમ બંગાળ બીજેપી અધ્યક્ષના કાફલા પર થયેલા હુમલાથી પાર્ટીના નેતાઓમાં રોષ છે. દિલ્હી બીજેપીના પૂર્વ અધ્યક્ષ મનોજ તિવારીએ આ હુમલાની ટિકા કરતા મમતા બેનર્જી પર પ્રહાર કર્યો છે. મનોજ તિવારીએ ટ્વિટ કર્યું કે દિલીપ ધોષના કાફલા પર હુમલાથી સ્પષ્ટ છે કે હવે મમતા દીદીને ડર લાગી રહ્યો છે.