IPL : ચેન્નઈએ કોલકાતાને 18 રનથી હરાવ્યું

0
18

મુંબઈ
તા : 22
ચેન્નઈ સુપર કિંગ્સે ઈન્ડિયન પ્રીમિયર લીગની 14મી સીઝનની 15મી મેચમાં રોમાંચક સ્થિતિમાં કોલકત્તા નાઇટ રાઇડર્સને 18 રને પરાજય આપી સીઝનમાં ત્રીજી જીત મેળવી છે. ઓપનર ફાફ ડુ પ્લેસિસ અને ઋતુરાજ ગાયકવાડે પ્રથમ વિકેટે ૧૧૫ રનની ભાગીદારી નોંધાવ્યા બાદ પેસ બોલર દીપક ચહરે ઘાતક સ્પેલ નાખીને ૨૯ રનમાં ચાર વિકેટ ઝડપતા ચેન્નઇ સુપર કિંગ્સે અહીં રમાયેલી આઇપીએલની લીગ મેચમાં કોલકાતા નાઇટ રાઇડર્સને ૧૮ રનથી હરાવીને ટૂર્નામેન્ટમાં વિજયની હેટ્રિક નોંધાવી હતી. કોલકાતાએ ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ચેન્નઇએ ત્રણ વિકેટે ૨૨૦ રનનો જંગી સ્કોર નોંધાવ્યો હતો. કોલકાતાની ટીમ ૧૯.૧ ઓવરમાં ૨૦૨ રન બનાવી શકી હતી. કોલકાતાની ટીમે ૩૧ રનના સ્કોર સુધીમાં તેના ટોચના પાંચ બેટ્સમેનો ગુમાવી દીધા હતા. મધ્યમ હરોળમાં આન્દ્રે રસેલે ૨૨ બોલમાં તોફાની ૫૪ રન બનાવ્યા હતા.

ચેન્નઇએ આક્રમક શરૂઆત કરી હતી અને ઓપનર ડુ પ્લેસિસ તથા ઋતુરાજે પ્રથમ વિકેટ માટે ૧૧૫ રનની ભાગીદારી નોંધાવી હતી. ચેન્નઇ તરફથી આ સિઝનમાં પ્રથમ વખત ઓપનિંગમાં સદીની ભાગીદારી નોંધાઇ છે. બંનેએ ૩૩ બોલમાં ૫૦ તથા ૧૨મી ઓવરમાં સ્કોરને ૧૦૦ સુધી પહોંચાડી દીધો હતો. ડુ પ્લેસિસે ટી૨૦માં છ હજાર રન પણ પૂરા કર્યા હતા.કોલકાતા નાઇટ રાઇડર્સના અનુભવી વિકેટકીપર દિનેશ કાર્તિકે ચેન્નઇ સામેની મેચ માટે મેદાનમાં ઉતરતાની સાથે આઇપીએલની કારકિર્દીમાં ૨૦૦ મેચ પૂરી કરવાની વિશેષ સિદ્ધિ મેળવી હતી. આ સાથે તે ધોની અને મુંબઇ ઇન્ડિયન્સના સુકાની રોહિત શર્માની ઇલિટ ક્લબમાં સામેલ થઇ ગયો હતો. ધોનીએ કોલકાતા સામે પોતાની ૨૦૮મી મેચ રમી હતી. રોહિત ૨૦૪ મેચ રમી ચૂક્યો છે.